રાજ્યમાં એકબાદ એક આંદોલન શરૂ થઇ રહ્યા છે. તલાટીનું આંદોલન પુરુ થયા ત્યાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મીઓ વિરોધ ચઢયા છે.
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પડતર માંગણીઓના વણઉકેલાયેલા પ્રશ્નો સામે આવી રહ્યા છે. હાલ પંચાયત વિભાગમાં હડતાળનો દોર ચાલી રહ્યો છે. પહેલા તલાટીની હડતાળ બાદ હવે આરોગ્ય વિભાગના કર્મીઓ પડતર પ્રશ્નોને લઇને 8 ઓગસ્ટથી રસ્તા પર ઉતરી આવ્યા છે. ગ્રેડ-પે નહી તો આંદોલન નહીં સમેટાય, GR નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તો હડતાળને પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આકરા મૂડમાં જણાયા.
આરોગ્ય કર્મીઓની આરોગ્યમંત્રી સાથે બેઠક મળી હતી. જેમાં સરકારે ગ્રેડ-પેની માગણી માટે કમિટીની રચના કરી છે. સરકારે ૧૫ દિવસમાં ૨ માંગણી માટે GRની ખાતરી આપી છે. તેમ છતાં પણ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓની હડતાળ યથાવત છે. જેને લઇને આરોગ્યમંત્રી આકરાપાણીએ જણાયા. તેઓએ જણાવ્યું કે જો હડતાળ નહીં સમેટવામાં આવે તો એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી થશે.
આરોગ્ય કર્મચારીઓ કેમ આંદોલનના માર્ગે
- ગ્રેડ-પેમાં ૨,૪૦૦ થી વધારો કરી ૪,૨૦૦ કરવો
- ૧૩૦ દિવસની રજાનો પગાર અને ઝીરો PTA આપવી
- કોરોના વોરિયર્સ તરીકેનું માસિક ભથ્થુ આપવું
- પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેક્નિકલ સંવર્ગ ગણવા
- ૨૦૦૧ ની આરોગ્ય સમિતી અંતર્ગત ટેક્નિકલ સંવર્ગમાં સમાવેશ કરવો
- આરોગ્ય કર્મચારીઓને ૮ કિ.મી નીચેની ફેરણીનું ક્ષેત્રીય ભથ્થું આપવું
- તમામ માગ સ્વીકાર્યાના GR ઠરાવ અને પરિપત્ર
ગુજરાતના ૩૩ જિલ્લાના આરોગ્યના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, THS, THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર જેવા પંચાયતના આરોગ્યલક્ષી તમામ કર્મી તેમજ ફિલ્ડ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે જેઓ ખાસ કરીને ગ્રેડ-પે વધારાની માંગ પર અડગ છે.