અત્યાર સુધીમાં યુનેસ્કોએ ભારતના ૩૮ સ્મારકોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. ભારત સરકારે ૨૦૨૧ની હેરિટેજ લિસ્ટમાં ‘કોલકાતાની દુર્ગા પૂજા’ નો સમાવેશ કરવાની દરખાસ્ત કરી હતી, જેને યુનેસ્કોએ ડિસેમ્બર ૨૦૨૧માં તેની યાદીમાં સામેલ કરી છે. આ ઉજવણી કરવા માટે, યુનેસ્કોના સાંસ્કૃતિક એકમના સચિવ અને ભારતમાં યુનેસ્કોના પ્રતિનિધિએ સાંસ્કૃતિક મંત્રાલય સાથે મળીને દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં દુર્ગા પૂજાની વિશેષ રજૂઆત સાથે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
અત્યાર સુધીમાં યુનેસ્કોની હેરિટેજ લિસ્ટમાં ભારતના ૧૪ અમૃત વારસાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વૈદિક મંત્રોચ્ચારણની પરંપરા,રામલીલા,યોગ,કુંભ મેળો,લદ્દાખનું બૌદ્ધ મંત્રોચ્ચારણ વગેરેને અમૃત ધરોહરની યાદીમાં સામેલ કર્યા છે.
વર્ષ ૨૦૨૩ માટે ગુજરાતના “ગરબા” નૃત્યને યુનેસ્કોની અમૃત હેરિટેજ યાદી માટે નામાંકિત કરવામાં આવ્યું છે. મુંબઈના ગણેશ ઉત્સવને પણ ભવિષ્ય માટે વિચારવામાં આવી રહ્યો છે. નિયમો અનુસાર આ યાદીમાં બે વર્ષમાં માત્ર એક જ હેરિટેજનો સમાવેશ કરી શકાય છે. યુનેસ્કોના દિલ્હીના ડાયરેક્ટર એરિક ફાલ્ટે જણાવ્યું હતું કે ભારત પાસે હજુ પણ યુનેસ્કોના અમૃત હેરિટેજમાં સામેલ થવાનો ઘણો મોટો ખજાનો છે, જે સમયાંતરે આ યાદીમાં સામેલ થતો રહેશે.