ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન પ્રભારી-જિલ્લા સંયોજકો તથા મહાનગરપાલિકા સંયોજકોના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન પ્રભારી-જિલ્લા સંયોજકો તથા મહાનગરપાલિકા સંયોજકોના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાજના નાનામાં નાના, છેવાડાના માનવી સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડી વિકસિત, ઉન્નત અને આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરવા યુવાશક્તિને આહવાન કર્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપ અને દ્રષ્ટિવંત નેતૃત્વમાં ડિઝીટલ ઇન્ડીયા, મેક ઇન ઇન્ડીયા, સ્વચ્છ ભારત જેવા અનેક નવતર આયામો દેશમાં વ્યાપક બન્યા છે.  પ્રધાનમંત્રીએ ભારતને વિકસીત, ઉન્નત અને આત્મનિર્ભર બનાવવાના ધ્યેય સાથે હરેક યોજનાઓમાં છેવાડાના, નાનામાં નાના માનવીના કલ્યાણનો ભાવ રાખ્યો છે. યોજનાઓનો લાભ જરૂરતમંદ વ્યક્તિઓ સુધી યથાર્થ રીતે પહોચાડીને સફળ બનાવવામાં સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડના યુવા સંયોજકો સંવાહક બને.

સરકારી યોજનાઓના લાભ લોકોને ઘરે બેઠા મળે તેની યોગ્ય માહિતી અને જાણકારી મળે તે માટે મુખ્યમંત્રીએ યુવાઓને ‘ડોર સ્ટેપ ડિલીવરી ઓફ સર્વિસીસ’ રાજ્ય સરકાર લોકોના દ્વારે નો અભિગમ સાકાર કરવા પણ આહવાન કર્યુ હતું. સ્વામી વિવેકાનંદે વિશ્વમાં ભારતની શાખ-પ્રતિષ્ઠા ગૌરવ વધાર્યા છે. તેમના જીવન આદર્શો આજની યુવા પેઢીના સમગ્ર જીવનકાળમાં માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત બની શકે તેમ છે. લોકો સ્વચ્છતા પ્રત્યે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન પ્રત્યે તેમજ આત્મનિર્ભરતા માટે વધુ ઉત્સાહી અને જાગૃત બન્યા છે.

આ પ્રશિક્ષણ વર્ગમાં માર્ગદર્શન આપતાં ગૃહ, મહેસૂલ અને રમત-ગમત, યુવા પ્રવૃત્તિઓ તથા સાંસ્કૃતિક બાબતોના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદૃષ્ટિવંત નેતૃત્વમાં નાગરિકોને સરકારી સેવાઓના લાભ મેળવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે. સરકાર દ્વારા આજે યોજનાની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આઝાદીના ઘણાં વર્ષો બાદ આ સૌથી મોટી સિદ્ધિ છે. આ પ્રસંગે  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સચિવ અશ્વિની કુમાર, નાયબ સચિવ એસ. કે. હુડા સહિતના બોર્ડના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા તેમજ રાજ્યના જિલ્લા-મહાનગરોના સ્વામી વિવેકાનંદ કેન્દ્રોના યુવા સંયોજકો સહભાગી થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *