૧૦ દિવસના પર્વમાં લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં બુધવારથી વિઘ્નહર્તા ભગવાન ગણેશજીના પર્વ ગણેશોત્સ્વનો શ્રદ્ધા આસ્થા અને ધાર્મિક પરંપરા સાથે આરંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પોતાના વિધાનસભા મત ક્ષેત્ર ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ સાર્વજનિક ગણેશઉત્સવમાં ભક્તિ ભાવપૂર્વક સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ પાટીદાર ચોક, મધુવૃંદ સોસાયટી, ગુલાબ ટાવર થલતેજ, સરદાર પટેલ ચાર રસ્તા વસ્ત્રાપુર ખાતેના ગણેશ સ્થાપનમાં જઈને ભગવાનના દર્શન-અર્ચન કર્યા હતા. આ પ્રસંગે વિવિધ વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ ભક્તજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ભાદરવા સુદ ચોથથી અનંત ચૌદશ સુધી ઉજવાતા આ ૧૦ દિવસના પર્વમાં લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ૧૦ દિવસ ગજાનનની સવાર સાંજ પુજા અર્ચના કરવામાં આવશે અને લાડુનો ભોગ ધરાવવામાં આવશે. અનેક જિલ્લાઓમાં ગણેશ પંડાલોમાં ભગવાનની મુર્તિ બિરાજમાન કરવામાં આવી છે તથા પંડાલોને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે.