ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ ઝડપાયું હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે એકવાર ફરી અમદાવાદમાંથી MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે રૂ. ૧૮ લાખના ૮૯૦ ગ્રામ ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ પણ કરી છે. શાહરૂખ પઠાણ નામના વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જોકે આ મામલે હવે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે શક્ય છે કે, પોલીસ તપાસમાં MD ડ્રગ્સને લઇને ચોંકાવનારા ખુલાસા થઇ શકે છે.
થોડા દિવસો પહેલા જ અમદાવાદમાંથી ક્રાઈમ બ્રાન્ચે રૂ. ૨૮ લાખના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઑની પૂછપરછમાં એક શખ્સ પોલીસનો બાતમીદાર રહી ચૂક્યો હોવાનો અને લોકડાઉનમાં ધંધો બંધ થઇ જતાં ડ્રગ્સના કાળો કારોબારમાં ધકેલાયો હોવાનો ચોંકાવનારા ખુલાસા થયા હતા.
કચ્છમાંથી પંજાબ મોકલવામાં આવેલા હેરોઇન મામલે ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી હતી. આ મામલે ગુજરાત એટીએસ દ્વારા કચ્છમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એટીએસ દ્વારા કચ્છના લખ્ખી ગામમાંથી બે આરોપીઓને ઝડપી પડાયા હતા. આ બન્ને આરોપીઓને ૩૮ કિલો હેરોઇન કચ્છથી પંજાબ મોકલવા મામલે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ડ્રગ્સ પંજાબમાં ઝડપાવાથી સમગ્ર મામલો સામે આવ્યો હતો.
ઉમરા ખલીસા જત અને હમદા હારુન નામના બંને આરોપીઓની ગુજરાત ATS ટીમે કચ્છથી ધરપકડ કરી હતી. કે જેઓની પંજાબમાં ૩૮ કિલો હેરોઇન પકડાવા મામલે સંડોવણી રહેલી છે. તેઓ પાકિસ્તાનના ગુલ મોહમ્મદ પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા. જોકે ગુજરાત ATSએ ડ્રગ્સ કેસના આ બંને આરોપીઓ પંજાબ પોલીસને સોંપ્યા હતા. આ મામલે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે, આ બંને યુવકો ભુજથી ટ્રકમાં હેરોઇન લઈને પંજાબ પહોંચ્યા હતા. જેને પગલે આ બાબતની જાણ પંજાબ પોલીસે ગુજરાત ATSને કરી હતી. જેથી એટીએસના અધિકારીઓએ તેના છેડા કચ્છના નાનકડા ગામડા સુધી પહોંચેલા હોવાની વિગતો શોધી કાઢી તપાસ હાથ ધરી હતી.