વિશ્વમાં ૫ ઓક્ટોબરે શિક્ષક દિવસની ઉજવણી કરાય છે
દર વર્ષે ૫ મી સપ્ટેમ્બરે, સમગ્ર દેશમાં શિક્ષકોના સન્માનમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરાય છે. આ દિવસ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખાસ છે. ભારતમાં ૫ મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે સમગ્ર વિશ્વમાં ૫ મી ઓક્ટોબરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિના અવસરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ ના રોજ થયો હતો. રાધાકૃષ્ણન એક મહાન વિદ્વાન અને ફિલોસોફર હતા. ડો.રાધાકૃષ્ણને તેમના જીવનના મહત્વપૂર્ણ ૪૦ વર્ષ એક શિક્ષક તરીકે દેશને આપ્યા.
શિક્ષક દિવસનો ઈતિહાસ: આપણા દેશમાં શિક્ષક દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ ૧૯૬૨ માં ડૉ. રાધાકૃષ્ણનના રાષ્ટ્રપતિ બનવા સાથે થઈ હતી. હકિકત આ વર્ષે તેમના વિદ્યાર્થીઓએ તેમનો જન્મદિવસ ઉજવવા માંગતા હતા. ત્યારે રાધા કૃષ્ણને કહ્યું કે મારો જન્મદિવસ ઉજવવાને બદલે તેઓ આ દિવસને સમગ્ર દેશમાં શિક્ષકોના સન્માનમાં શિક્ષક દિવસ તરીકે ઉજવે તો મને ગર્વ થશે. આ રીતે, દેશમાં પ્રથમ વખત, ૫ સપ્ટેમ્બર ૧૯૬૨ ના રોજ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે, શિક્ષક દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
કોણ છે ડૉ. રાધાકૃષ્ણન?: ડો. રાધાકૃષ્ણનનો જન્મ વર્ષ ૧૮૮૮ માં તમિલનાડુના તિરુતાની ગામમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. તે નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા. તેમણે ફિલોસોફીમાં એમએ કર્યું અને ૧૯૧૬ માં ફિલોસોફીના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મદ્રાસ રેસીડેન્સી કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું. થોડા વર્ષો પછી તેઓ પ્રોફેસર બન્યા. તેમની અદભૂત શિક્ષણ કૌશલ્યને કારણે, ઘણી ભારતીય યુનિવર્સિટીઓ ઉપરાંત, કોલંબો અને લંડન યુનિવર્સિટીએ પણ પ્રમાણભૂત ડિગ્રીઓ એનાયત કરી. આઝાદી પછી, તેમણે ઘણા મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું અને પેરિસમાં યુનેસ્કો સંસ્થાની કાર્યકારી સમિતિના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા. તેમણે ૧૯૪૯ થી ૧૯૫૨ સુધી રશિયામાં ભારતના રાજદૂત તરીકે પણ સેવા આપી હતી. આ પછી, વર્ષ ૧૯૫૨ માં, તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને પછી તેઓ રાષ્ટ્રપતિ બન્યા. બાદમાં તેમને ભારત રત્ન પણ આપવામાં આવ્યો હતો.
વિશ્વમાં ૫ ઓક્ટોબરે ઉજવાય છે શિક્ષણ દિવસ: ૧૯૯૪ માં યુનેસ્કોએ શિક્ષકોના સન્માનમાં ૫ ઓક્ટોબરના રોજ શિક્ષક દિવસ ઉજવવાની કરી હતી જાહેરાત. ભારત સિવાય આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ચીન, જર્મની, બાંગ્લાદેશ, શ્રીલંકા, યુકે, પાકિસ્તાન, ઈરાન વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, શિક્ષક દિવસ ચીનમાં ૧૦ સપ્ટેમ્બર, અમેરિકામાં ૬ મે, ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરનો છેલ્લો શુક્રવાર, બ્રાઝિલમાં ૧૫ ઓક્ટોબર અને પાકિસ્તાનમાં ૫ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.