ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના ભાષણોમાં તીખાશ વધી રહી છે. કંઇક આવી જ તીખાશ સાંભળવા મળી ભાજપ પ્રદેશ અધ્યક્ષના એક ભાષણમાં. વડોદરાની મુલાકાત દરમિયાન સી.આર.પાટીલે વિપક્ષ પર આકરા વાકપ્રહાર કર્યા.
સી.આર.પાટીલે નામ લીધા વિના રાજકીય પક્ષ પર ભાડાના ટટ્ટુ મોકલીને ચૂંટણી પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો.સાથે જ દાવો કર્યો કે આવા પક્ષોને ગુજરાતમાં ક્યારેય સ્થાન નહીં મળે. તો કોંગ્રેસની ભારત યાત્રા સામે પણ પાટીલે સવાલ ઉઠાવ્યો. તો પાટીલ આટલાથી ન અટક્યાં અને એન્ટ્રી થઇ અર્બન નક્સલવાદની. આમ આદમી પાર્ટી પર પાટીલે અર્બન નક્સલવાદીઓને ચૂંટણીમાં ટિકિટ આપવાનો આરોપ લગાવ્યો અને આવા અર્બન નક્સલવાદીઓને ગુજરાત વિરોધી ગણાવ્યા.
૧૦ લાખ યુવાનોને રોજગારી આપવાની આપ અને કોંગ્રેસની જાહેરાત મુદ્દે પણ પાટીલે પ્રહાર કર્યો.પાટીલે આરોપ લગાવ્યો કે કેટલાંક પક્ષો ૧૦ લાખ નોકરીઓ આપવાના પડિકા ફેંકીને યુવાનોને લલચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.આમ ચૂંટણી પહેલા નેતાઓના ભાષણની આ તીખાશ, એ વાતનો સંકેત આપી રહી છે કે ૨૦૨૨ ની ચૂંટણી જરાય ફિક્કી નહીં હોય.આ ચૂંટણીમાં આક્ષેપબાજીનો તડકો જરૂર વાગશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય પક્ષો પણ મતદારોને રીઝવવા એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપ પણ મિશન @ ૧૮૨ હાંસલ કરવા તમામ પ્રયાસો કરી રહ્યુ છે. હાલ પાંચ રાજ્યોના કાર્યકરોના શિરે ચૂંટણી પ્રચારની જવાબદારી આપવામાં આવી છે. ઉતરપ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કાર્યકારોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.