આજે ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘ અને આરોગ્યકર્મીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે. ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં કૂચ કરવામાં આવી. છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો માટે કિસાન સંઘ આંદોલન કરી રહ્યું છે. ત્યારે ખેડૂતોની બલરામ ભવનથી વિધાનસભા તરફ કૂચ કરવામાં આવી. તમને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો ગાંધીનગર ખાતે ધરણા પર બેઠા છે.
ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં કૂચ દરમ્યાન સરકાર દ્વારા રચાયેલી સમિતિ પર કિસાન સંઘે પ્રહાર કરતા કહ્યું કે, “સરકારે રચેલી સમિતિ સીએમ સુધી યોગ્ય વાત પહોંચાડતી નથી.
સરકાર દ્વારા રચાયેલી સમિતિને ખેડૂતો માટે સમય નથી. સરકાર દ્વારા રચાયેલી સમિતિના ૫ સભ્યો એક સાથે બેસતા નથી. ખેડૂતોના પ્રશ્નો હલ ન થવા પર આ સમિતિ જવાબદાર છે.”
અને ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓ પણ હડતાળ પર ઉતર્યા છે. આરોગ્યકર્મીઓ ત્રણ માંગોને લઇને આકરાપાણીએ છે. મુખ્ય ત્રણ માંગોને લઈને આરોગ્ય કર્મચારીઓ હડતાળ કરી રહ્યાં છે. જેમાં ટેક્નિકલ સંવર્ગ ગણીને ઉચ્ચતર પગાર ધોરણની આરોગ્ય કર્મીઓ માંગ કરી રહ્યાં છે. આ સાથે કોરોનાની કામગીરી દરમ્યાન કરેલા કામોમાં રજા પગારની માંગ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ કોરોના વોરિયર્સ પણ ભથ્થાની માંગ કરી રહ્યાં છે.
જોકે છેલ્લા ૩૮ દિવસથી રાજ્ય સરકાર ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ એવાં આરોગ્ય કર્મચારીઓને મચક નથી આપતી. જેના કારણે હવે આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓનો પરિપત્ર કરાવવા આક્રમક બન્યા છે. આથી આજે ગાંધીનગર ખાતે રાજ્યભરના હજારો કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરવા એકત્ર થયા છે.
આરોગ્ય કર્મચારીઓના મંડળના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત સરકાર મંત્રણા કરીને આરોગ્ય કર્મચારીઓને માત્ર લોલીપોપ જ આપે છે, એટલું જ નહીં હવે સરકાર અમારી માટે કોઈ સત્તાવાર નિર્ણય કરીને તેનો જીઆર કે પરિપત્ર નહીં કરે તો રાજ્ય સરકારના તમામ આરોગ્ય કર્મચારીઓ આક્રમક બનીને સરકાર સામે મોરચો માંડશે.’
આ હડતાળ સમેટવા માટે આરોગ્ય કર્મચારીઓ સરકાર સાથે ૨ વખત બેઠક પણ કરી ચૂક્યા છે અને એક વખત હડતાલ સમેટવાની જાહેરાત પણ કરી ચૂક્યા છે. પરંતુ ત્યારબાદ હડતાલ પરત ખેંચવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો હતો. ત્યારથી આરોગ્ય કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે.