રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ બનવાથી કરેલા ઇનકાર અને અશોક ગેહલોતે અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની કરેલી જાહેરાત બાદ કોંગ્રેસ નેતા સચિન પાયલટની નજર હવે રાજસ્થાનમાં ખાલી થયેલી CMની ખુરશી પર છે.
સચિન પાયલટે તમામ જૂથોના કોંગી ધારાસભ્યો સાથે વાતચીત કરવાનું શરૂ કરી દીધું છે. તેમાં એવા ધારાસભ્ય પણ સામેલ છે કે જેઓ ક્યારેક તેમના કટ્ટર વિરોધી કહેવાતા. તમને જણાવી દઇએ કે, રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ સચિન પાયલટે એકાએક એક્ટિવ થઇને ધારાસભ્યો સાથે વાતચીત કરતા તેઓને કોઇ નવી જવાબદારી મળી શકે તેવું દેખાઇ રહ્યું છે.
૨૧ સપ્ટેમ્બરના રોજ સચિન પાયલટે ‘ભારત જોડો યાત્રા’ માં સામેલ થઇને રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી. પાયલટ હવે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળશે. પાયલટે કહ્યું કે, ‘સોનિયા ગાંધીનો નિર્ણય સૌ કોઇએ માનવાનો છે.’
આ વાતને ગેહલોતના મંત્રી રાજેન્દ્ર ગુઢાએ પણ ઉચ્ચારતા કહ્યું કે, ‘હાઇકમાન જે નામનું એલાન કરશે, અમારી સાથેના ૬ ધારાસભ્યો તેમનું સમર્થન કરશે.’ આ સાથે SCના આયોગ અધ્યક્ષ અને બસેડીના ધારાસભ્ય ખિલાડીલાલ બૈરવા અને બાડી ધારાસભ્ય ગિર્રાજસિંહ મલિંગા દિલ્હીમાં છે, બંનેએ પાયલટ સાથે વાતચીત કરી છે.
ગેહલોતે નિવેદન આપતા જણાવ્યું કે, ‘હું અધ્યક્ષ બનીશ તો CMની ખુરશી છોડી દઈશ.’ નવા મુખ્યમંત્રી અંગે તેઓએ નિવેદન આપતા કહ્યું કે, ‘આ નિર્ણય હાઈકમાન્ડ જ લેશે.’