૧૬૪ ગામોમાં સિંચાઈ માટે પાણીની સુવિધા આપવા બદલ આભાર વ્યક્ત કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ આજે અને આવતીકાલે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરના ખેડૂતો દ્વારા આયોજિત ‘ઋણ સ્વીકૃતિ પરિષદ’માં જશે, જ્યાં ખેડૂતો ૧૬૪ ગામોમાં સિંચાઈ માટે પાણીની સુવિધા આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કરશે. ખેડૂતો લાંબા સમયથી સિંચાઈના પાણીની માંગણી કરતા હતા, ગાંધીનગરના સંસદસભ્ય અમિત શાહે આ ખેડૂતોની સમસ્યાના કાયમી ઉકેલની ભલામણ કરી હતી. જે બાદ ગુજરાત સરકારે ફતેવાડી-ખારીકટ પ્રોજેક્ટમાં ૧૬૪ ગામોને સિંચાઈ વિસ્તારમાં સમાવી લીધા. ફતેવાડી અને ખારીકટ કેનાલ યોજનાના ૮ તાલુકાના અને નળકાંઠાના ૧૧ ગામો મળીને કુલ ૧૬૪ ગામોની ૫૩,૨૧૫ હેક્ટર જમીનને સિંચાઈ માટે નર્મદાનું પાણી ઉપલબ્ધ થશે.
વિસ્તારોની માંગને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રીએ સરકારને હકારાત્મક વલણ દાખવવા અને આ વિસ્તારોના ડી-કમાન્ડેડ વિસ્તારોને કાયમી ધોરણે નર્મદા કમાન્ડમાં સમાવિષ્ટ કરવા સૂચન કર્યું હતું. જેના સંદર્ભમાં રાજ્ય સરકારે ૦૧/૦૯/૨૦૨૨ ના રોજ આ વિસ્તારોને નર્મદા કમાન્ડમાં સમાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે અમદાવાદ જિલ્લાના ૬ અને ખેડા જિલ્લાના ૨ અને નળકાંઠાના ૧૧ ગામોમાં ૯૪૧૫ હેક્ટર સહિત ૧૫૩ ગામોની ૪૩,૮૦૦ હેક્ટર જમીનમાં કાયમી સિંચાઈ માટે નર્મદાનું પાણી ઉપલબ્ધ થશે.