આણંદ જિલ્લામાં ભાજપના નવા કાર્યાલય શ્રી કમલમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આ કાર્યાલયનુું ઉદ્ઘાટન કર્યું હતું. નાવલી પાસે આવેલા આ કાર્યાલયમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ હશે.
આણંદ જિલ્લામાં નાવલી પાસે ૩.૫ કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત ભાજપના કાર્યાલય શ્રી કમલમનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે આ કાર્યાલયને ખૂલ્લું મૂકાયું હતું.
મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ જિલ્લા મધ્યસ્થ કાર્યાલયમાં કાર્યકરો, હોદ્દેદારોની ઓફિસ, બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓને નીહાળી હતી. સાથે જ બંનેએ રાજ્યનું નહીં, પરંતુ દેશમાં મોડલરૂપ કાર્યાલય આણંદ બન્યું હોવાનું જણાવીને જિલ્લા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભાજપના નાનામાં નાના કાર્યકરના સહયોગથી અદ્યતન કાર્યાલય બન્યાનું જણાવીને સૌને અભિનંદન પાઠવીને તમામનો મુખ્યપ્રધાને આભાર વ્યકત કર્યો હતો.
અક્ષરફાર્મ ખાતે ભાજપ કાર્યકર્તાઓના યોજાયેલ પેજ સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આણંદના શ્રેષ્ઠ કાર્યાલયમાં કામ થકી શોભા વધશે તેમ જણાવ્યું હતું. સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની તમામ સાતેય બેઠકો ભાજપને જીતાડવા માટે કાર્યકરોને હાકલ કરી હતી.