પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી ૩૬ માં રાષ્ટ્રીય રમતોત્સવનો આરંભ કરાવશે. પ્રધાનમંત્રી આ રમતોત્સવમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓને સંબોધિત કરશે.
ગુજરાત રાજ્યમાં પહેલી વખત રાષ્ટ્રીય રમતોનું આયોજન થઈ રહ્યું છે. ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજયના રમતગમત મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.
આ રમતોત્સવમાં ગુજરાતના ૬ શહેરો અમદાવાદ ,સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર ખાતે આયોજીત થનાર આ ઉત્સવમાં દેશભરમાંથી ૭ હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે. અમદાવાદ શહેરના ૮ જેટલા સ્પોર્ટસ કૉમ્પલેક્ષ સહિતનાં સ્થળો પર વિવિધ ૧૫ રમતોનું આયોજન કરવામાં આવનાર છે.
જેના અંતર્ગત સંસ્કારધામમાં તીરંદાજી, ખો-ખો અને મલખંબ, ટ્રાન્સ્ટેડિયા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે રગ્બી, ટ્રાન્સ્ટેડિયા ગ્રાઉન્ડ ખાતે પુરુષો માટેની ફુટબોલ સ્પર્ધા તેમજ કબડ્ડી, યોગાસન અને શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓ માટેની ફુટબોલ સ્પર્ધા યોજાશે. નેશનલ ગેમ્સ ઓપન સેરેમની અગાઉ બુધવારે સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સ્વદેશી બનાવટના ૬૦૦ જેટલા ડ્રોન સાથે ડ્રોન શોનું આયોજન કરાયુ હતુ.