પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર કેપીટલ સ્ટેશનેથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને તેનો શુભારંભ કરાવતા ગુજરાતને મોટી ભેટ મળી છે. પ્રધાનમંત્રીએ આ ટ્રેનના કમ્પાર્ટમેન્ટનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
આઈ.સી.એફ ચૈન્નઇ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ટ્રેનની વિગતોથી કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વીની વૈષ્ણવે પ્રધાનમંત્રીને અવગત કરાવ્યાં હતાં. આ સમયે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. વંદે ભારત એક્સપ્રેસ ‘મેક ઇન ઇન્ડિયા’નું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.
ટ્રેન ગાંધીનગર કેપીટલથી રવાના થઇને સાડા છ કલાકમાં મુંબઇ સેન્ટ્રલ પહોચશે. વંદે ભારત એક્સપ્રેસના કમ્પાર્ટમેન્ટમાં અનેક આધુનિક સુધારા કરીને મુસાફરોને હવાઇ જહાજમાં મુસાફરી કરતા હોય તેવો અનુભવ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ટ્રેન રવિવારને બાદ કરતા અઠવાડીયામાં ૬ દિવસ દોડશે. આ ટ્રેનની સરેરાશ સ્પીડ ૧૬૦ કિલોમીટર કલાક દીઠ માનવામાં આવે છે. વંદેભારત એક્સપ્રેસ ટ્રેનના ૧૬ કોચમાં ૧,૧૨૮ મુસાફરો મુસાફરી કરી શકશે.