૫,૦૦૦ એરિયલ મીટરમાં નરી આંખે ડ્રોન શો જોવા મળ્યો.
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૩ મી જન્મજયંતિની વૈશ્વિક સ્મૃતિમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, ગુજરાત સાયન્સ સિટી દ્વારા ૦૨/૧૦/૨૦૨૨ના રોજ ડ્રોન શો અને લાઇવ મ્યુઝિકલ ઈવનિંગ (લાઈવ સંગીત સંધ્યા)નો ભવ્ય કાર્યક્રમ યોજાઇ ગયો. આ ઉજવણી નિમિતે આયોજિત અવિસ્મરણીય કાર્યક્રમમાં સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે. બી. વદર વિભાગના અધિકારીઓ સહિત ૫,૦૦૦થી વધુ ઉત્સાહી લોકો જોડાયા હતા. આશરે ૨૫૦ જેટલા મેડ ઇન ઈન્ડિયા ડ્રોન દ્વારા અવકાશમાં ગાંધીજીની અદ્ભુત છબી એ લોકોને અચંબિત કરી દીધા હતા. આ અદ્ભુત આકાશી ડ્રોન શો ૫,૦૦૦ એરિયલ મીટરમાં નરી આંખે જોવા મળ્યો હતો. આ વિસ્તારના ૨,૫૦,૦૦૦ લોકોએ આ ડ્રોન શો નિહાળવાનો લાભ લીધો હતો.
આ ખાસ અવસરે શ્રેષ્ઠ વિડિયો અને ફોટોગ્રાફી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઇવેન્ટ વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતાઓને તેમની કૃતિને સાયન્સ સિટીના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર દર્શાવવાનો મોકો મળશે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી જનસમુદાયમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે કટિબદ્ધ છે. આ અંતર્ગત સાયન્સ સિટી દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃતિઓઓનું પણ આયોજન કરવામાં આવે છે.