પ્રધાનમંત્રી ૧૦ ઓક્ટોબરે જામનગરમાં સૌની યોજનાના બીજા, ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે

રૂ. ૩૦૦ કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક – ૧ પેકેજ – ૫ તેમજ રૂ. ૭૦૦ કરોડથી વધુના ખર્ચે લિંક – ૩ પેકેજ – ૭ નું વડાપ્રધાનના હસ્તે થશે લોકાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી ૧૦ ઓક્ટોબરના રોજ જામનગર ખાતે સૌની યોજના લિંક – ૧ પેકેજ – ૫ અને લિંક – ૩ પેકેજ – ૭ નું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કર્તવ્યનિષ્ઠ સરકાર વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કાર્યો થકી જનતાના જીવનમાં સુખ-સુવિધાઓ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે, જેનો વધુ એક પુરાવો એટલે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ.

સૌની યોજનાનો બીજો તબક્કો

સૌની યોજનાના બીજા તબક્કામાં લિંક – ૧ ના પેકેજ – ૫ ના લોકાર્પણ થકી કુલ રૂ. ૩૧૪.૬૯ કરોડના ખર્ચે ૬૬ કિમી લાંબી પાઇપલાઇન દ્વારા લાલપુર તાલુકાના પીપરટોડા ગામ પાસે નિર્મિત પંપિંગ સ્ટેશન ખાતે ૭ પંપ દ્વારા અને ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામ પાસે નિર્મિત ફીડર પંપિંગ સ્ટેશન ખાતે ૪ પંપ દ્વારા જામનગર જિલ્લાના ૫ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૫ એમ કુલ ૧૦ જળાશયો પાણીથી છલકાશે. આ પૈકી જામનગર જિલ્લાના ૨ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩ એમ કુલ ૫ જળાશયો થકી પીવાનું પાણી પણ આપવામાં આવે છે. જેનાથી જામનગર જિલ્લાના લાલપુર અને જામનગર તાલુકાના અંદાજિત ૩૨ ગામોના ૨૧,૦૬૧ એકર વિસ્તારમાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના અંદાજિત ૨૩ ગામોના ૧૦,૭૫૨ એકર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધાનો લાભ મળશે. તેનાથી એકંદરે ૬૫,૦૦૦ થી પણ વધુ લોકોને ફાયદો થશે અને આસપાસના કુલ ૩૧,૮૪૩ એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણી માટેની પર્યાપ્ત સુવિધા મળતા હરિયાળી સમૃદ્ધિના પગરણ મંડાશે.

સૌની યોજનાનો ત્રીજો તબક્કો

સૌની યોજનાના ત્રીજા તબક્કામાં લિંક – ૩ ના પેકેજ – ૭ ના લોકાર્પણ થકી કુલ રૂ. ૭૨૯.૧૫ કરોડના ખર્ચે ૧૦૪.૧૬૦ કિમી લાંબી પાઇપલાઇન દ્વારા કાલાવડ તાલુકાના જાલણસર ગામ પાસે નિર્મિત પંપિંગ સ્ટેશન ખાતે ૫ પંપ દ્વારા જામનગર જિલ્લાના ૪, રાજકોટ જિલ્લાના ૨, પોરબંદર જિલ્લાના ૨ અને દેવભૂમિ દ્વારકાના ૩ એમ કુલ ૧૧ જળાશયો પાણીથી છલકાશે. આ પૈકી જામનગર જિલ્લાના ૨, રાજકોટ જિલ્લાના ૨, પોરબંદરના ૧ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧ એમ કુલ ૬ જળાશયો થકી પીવાનું પાણી પણ આપવામાં આવે છે. જેનાથી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અંદાજિત ૨૬ ગામોના ૨૫,૭૩૬ એકર વિસ્તારમાં, જામનગર જિલ્લાના કાલાવડ, જામજોધપુર તથા જામનગર તાલુકાના અંદાજિત ૨૦ ગામોના ૧૬,૪૭૧ એકર વિસ્તારમાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના અંદાજિત ૩૦ ગામોના ૨૨,૭૬૯ એકર વિસ્તારમાં તથા પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના અંદાજિત ૧૦ ગામોના ૬૯૯૧ એકર વિસ્તારમાં સિંચાઇ અને પીવાના પાણીની સુવિધાઓનો લાભ મળશે. આમ, એકંદરે ૧,૨૦,૦૦૦થી પણ વધુ લોકોને આનાથી ફાયદો થશે અને આસપાસના કુલ ૭૧,૯૬૭ એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણીની સુવિધાઓ પ્રાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *