પ્રધાનમંત્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રુ. ૭૧૨ કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

૯ થી ૧૧ ઓક્ટોબર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ દરમિયાન ૧૧ ઓક્ટોબરે નરેન્દ્ર મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રુ. ૭૧૨કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સરકાર સ્વાસ્થ્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહી છે અને હવે આ અદ્યતન સુવિધાઓનો લાભ ગુજરાતના છેવાડાના માનવી સુધી પહોંચશે.

 

રુ. ૭૧૨ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં રુ. ૭૧ કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ૧૦ માળની આ હોસ્ટેલમાં ૨ બેઝમેન્ટ અને ૧૭૬ રૂમ અને સેન્ટ્રલ લાયબ્રેરી વિથ મ્યૂઝિયમ છે. તે સિવાય હૃદયની અદ્યતન સારવાર માટે રુ. ૫૪ કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે. તેમાં હૃદય અને ફેફસાના પ્રત્યારોપણ માટેનું કેન્દ્ર, કૃત્રિમ હૃદય અને ફેફસા તરીકે કામ કરતું મોબાઇલ ઇસીએમઓ, વીએડી, સીઆરઆરટી મશીન, હૃદયની સર્જરીની તાલીમ લેતા તબીબો માટે વર્ચ્યુઅલ સિમ્યુલેશન કાર્ડીયાક કેથ લેબ, રોબોટિક કાર્ડિયાક સર્જરી સિસ્ટમ, મીનીમલ ઇન્વેસીવ કાર્ડિયાક સર્જરી, ટેલી ICU(પેપેર લેસ ICU) કુલ ૧૫૦ ક્રીટીકલ કાર્ડીયાક બેડ, કોરોનરી ગ્રાફ્ટ – ફ્લોર મેઝરમેન્ટ મીટર, આર.એફ. એબ્લેશન મશીન, હોમોગ્રાફ વાલ્વ બેન્ક, મધર મિલ્ક બેન્ક, સ્લીપ લેબ, કાર્ડિયાક રિહેબિલિટેશન સેન્ટર, અપ ટુ ડે સોફ્ટવેર, ૩ ટેસ્લા કાર્ડિયાક MRI મશીન, બ્લડ સેન્ટર અને ૩ ડી / ૪ ડી કાર્ડિયાક ઇકો મશીન સહિતની વિશ્વકક્ષાની સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે.

GCRI અને IKDRCની નવી બિલ્ડિંગનું લોકાર્પણ

અસારવા ખાતે ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝેસ એન્ડ રિસર્ચ સેન્ટર(IKDRC)ની નવી હોસ્પિટલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે. રુ. ૪૦૮ કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં ૮૫૦ બેડની સુવિધા છે. તે સિવાય ૨૨ હાઇટેક ઓપરેશન થિયેટર, ૧૨ ICU આધુનિક લેબોરેટરી અને એકસાથે ૬૨ ડાયાલિસીસ કરવાની સુવિધા હશે. તે સિવાય મેડિસીટીમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની રુ. ૧૪૦ કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગ ‘C’નું લોકાર્પણ કરવામાં આવશે. તેના લીધે જનરલ વોર્ડના બેડની સંખ્યા વધીને ૧૮૭ થઇ જશે અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ૪ થી વધીને ૧૧ થઇ જશે. અહીં લેબોરેટરીમાં નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ મશીનની સુવિધા આપવામાં આવી છે. બિલ્ડિંગમાં લાઇબ્રેરી, ૩૧૭ સીટીંગ ક્ષમતાનું ઓડિટોરિયમ, ટેલિમેડિસીન રૂમ, બોર્ડ રૂમ તેમજ કેન્ટીન સહિતની સુવિધાઓ મળશે. ગુજરાત રાજ્યના નાગરિકોને અદ્યતન સુવિધાથી સજ્જ સ્વાસ્થ્ય સેવા અહીં મળશે.

દર્દીઓના પરિવારજનો માટે રૈન બસેરાનું ખાતમુહૂર્ત

ગુજરાત અને રાજ્ય બહારથી આવતા ગરીબ દર્દીઓના પરિવારજનોની સુવિધા માટે રૈન બસેરાનું ભૂમિ પૂજન કરવામાં આવશે. રુ. ૩૯ કરોડના ખર્ચે ૫૮૦૦ ચોરસ મીટર વિસ્તારમાં રૈન બસેરાનું નિર્માણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *