વડોદરાના સુખલીપુરામાં નવનિર્મિત આંગણવાડી ઉદ્ઘાટન

વડોદરા જિલ્લાના દુમાડ નજીક સુખલીપુરા ગામમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપ પરમારે નવનિર્મિત આંગણવાડી (નંદઘર) નું ઉદ્ઘાટન કર્યું હતું. આ આંગણવાડી I.O.C.L.ની મદદથી નિગમિત સામાજિક જવાબદારીના ભાગરૂપે બનાવવામાં આવ્યું છે.
મંત્રી પ્રદિપ પરમારે ત્યાંના બાળકો સાથે સંવાદ સાધ્યો હતો અને આંગણવાડી કાર્યકરોને પણ પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રદિપ પરમારે કહ્યું કે, ‘મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, જ્યારે આ ગામની ઓચિંતિ મુલાકાત લીધી ત્યારે આંગણવાડીનું નવું મકાન બનાવવાની ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ખૂબ જ ટૂંકાગાળામાં ગામમાં અદ્યતન આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને આજે તેને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બાળકો એ આપણા દેશનું ભવિષ્ય છે. અહીં તેમને રમકડાં અને ભોજન સહિતની આધુનિક સુવિધાઓ મળશે, જે તેમના સર્વાંગી વિકાસમાં મદદ કરશે.’


મંત્રી પ્રદિપ પરમારે પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી તેનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું.


સુખલીપુરા ગામના સરપંચ નવનીત પરમારે જણાવ્યું હતું કે, ‘મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગામની ઓચિંતી મુલાકાતે આવ્યા હતા અને તે સમયે જર્જરિત આંગણવાડીનું પુનઃનિર્માણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.  હવે નવી ઇમારત સારી સુવિધાઓ સાથે તૈયાર થઈ છે, જે આંગણવાડીના કાર્યકરોને બાળકોની સંભાળ રાખવામાં ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. સુખલીપુરા ગામને આદર્શ ગામ બનાવવા માટે સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જે સંદર્ભે હું મુખ્યમંત્રીને પણ રૂબરૂમાં મળ્યો છું. મુખ્યમંત્રીએ પણ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.’


સુખલીપુરા આંગણવાડીના કાર્યકર શ્વેતા પટેલે જણાવ્યું કે, ‘અગાઉ માળખું જર્જરિત અવસ્થામાં હતું અને ગમે ત્યારે પડી જાય તેમ હતું.  હવે સરકારે નવા બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે. જેમાં અલગ રસોડું, સ્ટોર રૂમ, મોટા હોલ જેવી સુવિધાઓ છે.’


આ પ્રસંગે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ, કલેક્ટર એ.બી.ગોર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી સહિત મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *