પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા
પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતને ૧૦૦ ટકા હર ઘર જલ રાજ્ય જાહેર કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ આ અંગેની જાણકારી ટ્વિટ કરીને આપી હતી.
નલ સે જલ અભિયાન થકી અથાગ પરિશ્રમ બાદ ગુજરાત આ લક્ષ્ય સિદ્ધ કરવામાં સફળ થયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫ મી ઓગસ્ટ, ૨૦૧૯ નાં રોજ લાલ કિલ્લા પરથી જલ જીવન મિશનની ઉદઘોષણા કરી હતી. આ મિશન અંર્તગત ગુજરાતનાં દરેક ઘરને પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવાનો ઉદેશ્ય હતો.
આ મિશન ગુજરાતનાં પાણી પુરવઠા મોડેલનું વિસ્તરણ છે. વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તે અમલમાં મુકાયું હતુ. ગુજરાત સરકારે ૨૦૨૪ ની સમય સીમાના બે વર્ષ પૂર્વે ૨૦૨૨ માં આ લક્ષ્યાંકને હાંસલ કરી લીધું છે. ડુંગરથી લઈ રણ કે જંગલ તમામ પ્રાકૃતિક વિષમતાઓ વચ્ચે પણ કામ કરીને ગુજરાત સરકારે આ લક્ષ્યાંક હાંસલ કર્યુ છે.