ઈલાબેન ભટ્ટના જીવન કવનની વાત કરીએ તો તેઓએ ૧૯૭૨માં સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા)ની સ્થાપન કરી. વુમન્સ વર્લ્ડ બેંકીંગના પણ તેઓ સ્થાપક હતા. ઈલાબેન આંતરરાષ્ટ્રીય મજૂર સંઘ (international labour), સ્ત્રીઓને લગતા વિષયો, લઘુ ધિરાણ (micro-finance ) અને સહકારી મંડળ (cooperative,) સંલગ્ન ચળવળો જેવા વિષયો સાથે સક્રિયપણે જોડાયેલા હતાં. તેમને રોમન મેગ્સેસે ઍવોર્ડ (૧૯૭૭), લાઈવલીહુડ પુરસ્કાર અને પદ્મભૂષણ (૧૯૮૬), નીવાનો શાંતિ પુરસ્કાર, ગ્લોબલ ફેરનેસ ઍવોર્ડ જેવા પુરસ્કારો મળ્યા હતા. હાવર્ડ, જ્યોર્જ ટાઉન, યેલ જેવી યુનિવર્સીટી દ્વારા ઈલાબેનને ડૉક્ટરેટની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઑક્ટોબર ૨૦૧૦ ની ગાઝાની મુલાકાત બાદ ધ એલ્ડર્સની વેબસાઈટ પરના બ્લોગમાં લખ્યું હતું કે “અન્યાય સામે અહિંસક લડત ચલાવવા માટે હિંસક લડાઈ કરતાં વધુ મહેનતની જરૂર પડે છે અને લડતમાં શસ્ત્રો વાપરવાવાળા કાયર હોય છે”. વિચારોથી શક્તિશાળી અને પ્રભાવી વ્યક્તિત્વ તેમજ સામાજિક બદલાવના પ્રણેતા તરીકે ઈલાબેન ભટ્ટ હંમેશા સૌના હ્રદયમાં પોતાની અમીટ છાપ છોડી ગયા છે.