પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના બાલીમાં ૧૭ મી જી – ૨૦ શિખર પરિષદમાં ભાગ લેવા રવાના થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના બાલીમાં ૧૭ મી જી – ૨૦ શિખર પરિષદમાં ભાગ લેવા આજે ત્રણ દિવસની ઇન્ડોનેશિયાની મુલાકાતે જવા રવાના થશે. પરિષદની વિષયવસ્તુ છે – સાથે મળી આગળ વધીએ, મજબૂત બનીએ. આ બેઠકમાં જી – ૨૦ દેશોના નેતાઓ વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા- વિચારણા કરશે. જી – ૨૦ બેઠકમાં કુલ ત્રણ સત્રો યોજાશે. આ સત્રો ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, આરોગ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અંગે હશે.
વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી અને અન્ય જી – ૨૦ નેતાઓ આ બેઠકમાં સમકાલીન મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરશે. તમામ ચર્ચા વર્તમાન વૈશ્વિક આર્થિક અને રાજકીય સંદર્ભમાં કરાશે. તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વ હાલ કોવિડ પછીની અસમાન આર્થિક પુનઃપ્રાપ્તિ, દેવાની અનિશ્ચિતતા, યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષ અને તેની અસરો તથા ખાદ્ય સુરક્ષા, ઉર્જા સંકટ અને ફુગાવા સહિતના અનેક મહત્વપૂર્ણ પડકારો સામે ઝઝૂમી રહ્યું છે. જી – ૨૦ નેતાઓ આ પડકારો પર વિચાર કરશે અને તેનો સામનો કરવા માટે બહુ-સ્તરીય સહયોગના મહત્વ પર ભાર મૂકશે. વિદેશ સચિવે કહ્યું કે સમિટના અંતિમ સત્રમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રતીકાત્મક રીતે પ્રધાનમંત્રી મોદીને જી – ૨૦ ની અધ્યક્ષતા સોંપશે. ભારત આ વર્ષે ૧ ડિસેમ્બરે વિધિવત રીતે જી – ૨૦ નું પ્રમુખપદ ગ્રહણ કરશે. ભારતનો કાર્યકાળ આવતા વર્ષે સપ્ટેમ્બર સુધી રહેશે. જી – ૨૦ ના પ્રમુખપદ દરમિયાન .ભારત-ઇન્ડોનેશિયા અને – બ્રાઝિલ એક નવુ જૂથ બનાવશે.
જી – ૨૦ સમિટ દરમિયાન નેતાઓ ૧૬ નવેમ્બરે બાલીના મેન્ગ્રોવ જંગલ વિસ્તારની પણ મુલાકાત લેશે. વિદેશ સચિવે કહ્યું કે, સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી – ૨૦ ના નેતાઓ સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય જી – ૨૦ પ્રાથમિકતાઓમાં ભારતની ભૂમિકા પર ચર્ચા કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાલીમાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે.