અધિકૃત સૂત્રો અનુસાર કેન્દ્રીય તપાસ એજન્સીએ ૨૦૦ થી વધુ સવાલ તૈયાર કર્યા છે.
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ગેરકાયદાકીય ખનન સંબંધિત મની લોન્ડ્રિંગ મામલે પૂછપરછ માટે બોલાવ્યા છે. ત્રણ અધિકારીઓની ટીમ રાંચી પહોંચી ગઈ છે. પૂછપરછ માટે હેમંત સોરેનને રાંચી EDની ક્ષેત્રીય ઓફિસમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. અધિકૃત સૂત્રો અનુસાર કેન્દ્રીય તપાસ એજન્સીએ ૨૦૦ થી વધુ સવાલ તૈયાર કર્યા છે.
હેમંત સોરેને પૂછપરછની તારીખ બદલવા માટે કહ્યું હતું, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આ અરજીને નામંજૂર કરી છે. તપાસ એજન્સીએ હેમંત સોરેનને ૩ નવેમ્બરના રોજ હાજર રહેવા જણાવ્યું હતું, જે અંગે હેમંત સોરેને જણાવ્યું હતું કે, તેઓ વ્યસ્તતાઓને કારણે હાજર રહી શક્યા નહોતા. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે પોલીસ મહાનિદેશક અને કેન્દ્રીય રિઝર્વ પોલીસને પૂછપરછ દરમિયાન ઓફિસની સુરક્ષા વધારવા માટે જણાવ્યું છે. આ મામલે તપાસ એજન્સીએ હેમંત સોરેનના રાજનૈતિક સહયોગી પંકજ મિશ્રા અને બચ્ચૂ યાદવ તથા પ્રેમ પ્રકાશની ધરપકડ કરી લીધી છે.