આતંકવાદ મેળવે છે અલગ અલગ સ્વરૃપે નાણાંકીય ભંડોળ || જેમાં ક્રિપ્ટો કરન્સી, ડાર્ક વેબ પર ચાલતી પ્રવૃતિઓનો સમાવેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવીદિલ્હીમાં આતંકવાદને નાણાકિય ફંડ રોકવા ત્રીજા મંત્રીસ્તરિય “નો મની ફોર ટેરર” બેઠકમાં સંબોધન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘આતંકવાદએ વૈશ્વિક સમસ્યા છે અને સમગ્ર વિશ્વ આતંકવાદ વિરૃદ્વ લડી રહ્યું છે. ભારત આતંકવાદના કારણે સૌથી વધારે પ્રભાવિત રહ્યું છે. જેમાં હજારો જીંદગીઓ ગુમાવવી પડી છે અને ખુબ મોટું નુકશાન પણ થયું છે. તેમ છતાય, ભારત લડી રહ્યું છે અને જ્યાં સુધી આતંકવાદનો ખાતમો નહી થાય ત્યાં સુધી લડશે.’ તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે ‘કેટલાંક દેશો આતંકવાદને મદદ કરવા માટે રાજકીય, વિદેશી નિતી ધરાવે છે અને આતંકવાદને પ્રસરતો કરવા માટે આર્થિક મદદ કરે છે. તેમણે આતંકવાદને મળતી આર્થિક મદદની કડીને તોડવાની જરૃર છે.’
આતંકવાદ અને આતંકના નાણાના ચલણ પર પ્રથમસત્રની અધ્યક્ષતા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ‘આતંકવાદ જૂથો ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, સાઇબર ટેક્નોલોજી અને ફાઇનાન્સ વિષે માહિતગાર છે. આ માહિતીનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુદ્ધ કરી શકે છે. જે દુનિયાના બધા દેશો માટે ચિંતાનો વિષય છે. આતંકવાદ અલગ અલગ સ્વરૃપે નાણાંકીય ભંડોળ મેળવે છે. જેમાં ક્રિપ્ટો કરન્સી, ડાર્ક વેબ પર ચાલતી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. જેથી આ કડી તોડવા તમામ દેશોએ એક યુનિફોર્મ પોલીસી તૈયાર કરવી પડશે.’
આ બે દિવસીય સંમેલનથી આતંકવાદ માટે મળતા નાણાને અટકાવવા અસરકારક ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સંમેલનથી આતંકવાદીના ધન સ્ત્રોત રોકવામાં વૈશ્વીક સહયોગને ઉત્તેજન મળશે. આ સંમેલનમાં ૭૦ થી વધુ દેશના કુલ ૪૫૦ થી વધુ પ્રતિનિધીઓ ભાગ લઇ રહ્યા છે. આ સંમેલન દરમિયાન ચાર સત્રમાં ચર્ચા વિચારણા થશે.