ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા માઉન્ટ આબુ ખાતે પ્રથમ વખત વિદ્યાર્થીઓ માટે પર્વતારોહણ શિબિરનું આયોજન કરાયું. રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે સ્વામી વિવેકાનંદન પર્વતારોહણ સંસ્થામાં ૧૦ દિવસની પ્રાથમિક ખડક ચઢાણ તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું.
આ ખડક ચઢાણ શિબિરમાં જીટીયુ સંલગ્ન ૬૭ કૉલેજના ૫૩ વિદ્યાર્થી , ૨૯ વિદ્યાર્થીની અને ૩ સ્ટાફ મેમ્બર સહિત ૮૫ લોકોએ ભાગ લિધો હતો. શિબિરમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ટ્રેકિંગ, રોક ક્લામ્બિગ, રોક રેપ્લિંગ, ચીમની કલઇમ્બીંગ-રેપ્લિંગ સહિત આકસ્મિક સંજોગોમાં કોઈ પણ પ્રકારની જાનહાનીને ટાળવા માટે રેસ્ક્યૂ કરીને કેવી રીતે રેપ્લિગ કરવું, આ તમામ પ્રકારની તાલિમનું પ્રશિક્ષણ આપવામાં આવ્યુ હતું. તેમજ ખડક ચઢાણ માટેના ખાસ જરૂર પડતી સાધન સામગ્રી અને ઉપયોગ કેવી રીતે કરવો એની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત વન તેમજ પહાડી વિસ્તારનું પ્રાકૃતિક જ્ઞાન આપી વિદ્યાર્થીઓને જંગલના પોતાના કાયદા કાનૂન વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીકાળ દરમિયાન દરેક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક જ્ઞાનની સાથે રમત – ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ કાર્યરત રહેવું જોઈએ.’ જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે, ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે જીટીયુ સાંસ્કૃતિક વિભાગના સલાહકાર મનોજ શુક્લ અને જીટીયુ સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.