ગોવામાં યોજાએલા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ગઈકાલથી ભારતીય ફિલ્મોનું નિદર્શન શરૂ થયું છે. તેમાં પૃથ્વી કોનાનુર દ્વારા દિગ્દર્શિત કન્નડ ફીચર ફિલ્મ “હાડીનેલેંટુ” સૌપ્રથમ દર્શાવવામાં આવી હતી. આ વિભાગમાં ૨૫ દસ્તાવેજી ફિલ્મો અને ૨૦ બીન દસ્તાવેજી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ સમારોહમાં હાજરી આપી હતી.
વિવેક અગ્નિહોત્રીની કાશ્મીર ફાઇલ્સ અને એસ.એસ.રાજામૌલીની RRR ફિલ્મ ભારતીય પેનોરમા વિભાગમાં દર્શાવવામાં આવશે. આ ઉપરાંત વિવિધ ભાષાઓ, પ્રદેશો અને સંસ્કૃતિનું તેમાં પ્રતિનિધિત્વ કરતી ફિલ્મો દર્શાવવામાં આવશે. આ પ્રસંગે અનુરાગ ઠાકુરે ફિલ્મ નિર્માતાઓને અભિનંદન આપ્યા.
તેમણે તમામ ફિલ્મો જોવા માટે સમય કાઢીને તેમાંથી શ્રેષ્ઠની પસંદગી કરવા બદલ તમામ નિર્ણાયક સભ્યોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે જ્યુરીના સભ્યોનું સન્માન કરાયું હતું તથા “હાડીનેલેંટુ” કન્નડ ફિલ્મના કલાકારો અને નિર્માતાનું પણ સન્માન કરાયું હતું. અનુરાગ ઠાકુરે ફિલ્મ બજાર ખાતે દેશભરમાંથી આવેલા ૭૫ જેટલા આશાસ્પદ યુવા સિનેમેટિક પ્રતિભાઓ સાથે સંવાદ કર્યો અને “૭૫ ક્રિએટિવ માઇન્ડ ઑફ ટુમોરો” વિભાગનું પણ ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મ ઉભરતા ફિલ્મ નિર્માતાઓ માટે નેટવર્કિંગમાં મદદ કરશે.