પરેશ ધાનાણીએ ભાજપ નેતા પાસેથી લીધા આશીર્વાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જેને જોઈને દરેક સૌરાષ્ટ્રવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વાસ્તવમાં અમરેલીના કોંગ્રેસના ઉમેદવારપરેશ ધાનાણી અચાનક જ આજે સવારે ભાજપના કાર્યાલયે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભાજપના મોટા નેતાઓના આશીર્વાદ લીધા હતા અને ચાની ચુસ્કી લીધી હતી.

અમરેલી બેઠક પર ૧ ડિસેમ્બરે મતદાન થવાનું છે. આ બેઠક પર આ વખતે ત્રિપાંખિયો  જંગ ખેલાવાનો છે. અમરેલીમાં ભાજપમાંથી કૌશિક વેકરિયા, કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી અને આમ આદમી પાર્ટીએ રવિ ધાનાણીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તમામ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ગત રોજ અમરેલી શહેરના મુખ્ય માર્ગ રાજકમલ ચોક ખાતે જંગી સભા યોજી હતી અને ચારે તરફ માનવ મેળા જેવો માહોલ સર્જી દીધો હતો. પરેશ ધાનાણીએ ગત રાતે અમરેલી શહેરમાં અંતિમ મોટી સભા યોજી માસ્ટર સ્ટ્રોક સર્જી દીધાનો ગણગણાટ શરૂ થયો હતો.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ શાંત થાય તે પહેલા આજે અમરેલીમાં અદભૂત રાજકીય દ્રશ્યો જોવા મળ્યા હતા. અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને તેમના ભાઈ શરદ ધાનાણી અચાનક જ ભાજપના કાર્યાલયે પહોંચ્યા હતા. પરેશ ધાનાણી અને શરદ ધાનાણી ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચતા ઘડીભર માટે સન્નાટો છવાઈ ગયો હતો.

ભાજપ કાર્યાલયે પહોંચી પરેશ ધાનાણીએ દિલીપ સંઘાણી, પરષોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયાના આશીર્વાદ લીધા હતા. ભાજપ કાર્યાલયની મુલાકાત લેતા ધાનાણીએ કહ્યું કે, ‘ભાજપના કાર્યાલયમાં રહેતા અને દીલથી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરો પણ મને આશીર્વાદ આપે. પરેશ ધાનાણીએ ભાજપ કાર્યાલય ખાતે  ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાજકીય દાવ પેચ ભૂલી ચાની ચુસ્કી સાથે હળવાશની પળો માણી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *