ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. તેવામાં હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં કોંગ્રેસને ૧૨૫ સીટ મળશે. લોકો મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફી મતદાન કરશે. આ સાથે દાંતાના ઉમેદવાર કાંતિ ખરાડી મુદ્દે કહ્યું હતું કે, ભાજપ ધાક-ધમકીથી ચૂંટણી લડી રહ્યું છે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે અમારા દાંતાના ઉમેદવાર કાંતિ ખરાડીના કાફલા પર હુમલો કરાયો. જે ઘટનાની જાણ અમને છેક ૪ કલાક બાદ અમારા ઉમેદવાર કાંતિભાઈએ અર્જુન મોઢવાડીયાને ફોન કરીને કરી હતી. જે બાદમાં અમે મોદી રાત્રે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે ગયા હતા.
લોકો મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફી મતદાન કરશે. કોંગ્રેસને કુલ ૧૨૫ સીટ મળશે. આ સાથે જગદીશ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, ભાજપ કલોલ અને બનાસકાંઠામાં પોલીસનો દુરૂપયોગ કરે છે.
કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં દાંતા તાલુકાના છોટા બામોદરા પાસે કાંતિ ખરાડીની ગાડી રોકાવી પલટી મરાવી હોવાની વાત સામે આવી હતી. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી લખ્યું હતું કે, કાંતિ ખરાડીનું માર મારી અપહરણ કરાયું છે. જે બાદમાં તેઓ આજે સવારે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે પાલનપુર સિવિલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ તરફ હવે ચૂંટણી પંચ પણ એક્શનમાં આવ્યું છે અને કાંતિ ખરાડીને વધુ સુરક્ષા આપવા નિર્દેશ કર્યા છે.