નવી દિલ્હી સ્થિત સંસદભવન પરિસરમાં ડો. આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
આજે સંવિધાન નિર્માતા ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ છે. દેશ ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરને તેમના ૬૭ મા મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે.
રાષ્ટ્રનિર્માણમાં ડો. ભીમરાવ આંબેડકરના યોગદાનને પ્રદર્શિત કરવા માટે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક ગણમાન્ય વ્યક્તિ અને સાંસદ નવી દિલ્હી સ્થિત સંસદભવન પરિસરમાં ડો. આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
બીજી બાજુ મુંબઈ સ્થિત ચૈત્યભૂમિ પર પણ બાબાસાહેબના લાખો અનુયાયી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ભારતીય સંવિધાનના જનક ડો. આંબેડકર ન્યાયવાદી, અર્થશાસ્ત્રી, રાજનેતા અને સમાજસુધારક હતા, જેમણે વંચિતો, મહિલાઓ અને શ્રમિકોના સામાજિક ભેદભાવ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. બાબાસાહેબ સ્વતંત્ર ભારતના પ્રથમ કાનૂન ન્યાયમંત્રી, ભારતીય સંવિધાનના જનક અને ભારત ગણરાજ્યના નિર્માતાઓમાંના એક હતા.