પોરબંદરની કુતિયાણા બેઠક પર ફરી એકવાર કાંધલ જાડેજા જ કિંગ સાબિત થયા છે. વર્ષ ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં પોરબંદરની કુતિયાણા બેઠક પર ચોપાંખિયો જંગ ખેલાયો હતો, કારણ કે આ વખતે અહીં ભાજપ, કોંગ્રેસ, AAP ઉપરાંત સમાજવાદી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા અને એ બીજુ કોઈ નહીં પરંતુ કુતિયાણાના બાહુબલી નેતા કાંધલ જાડેજા હતા. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કાંધલ જાડેજાને કુતિયાણાના કિંગ બનતાં રોકવા માટે બાહુબલી પરિવારના પૂત્રવધુને ઢેલીબેન ઓડેદરાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે નાથા ઓડેદરા અને આમ આદમી પાર્ટીએ ભીમા મકવાણાને ટિકિટ આપી હતી.
કુતિયાણાના કુરુક્ષેત્રમાં ૩૨ વર્ષ બાદ પહેલીવાર મહિલા ઉમેદવાર ઉતર્યાં હતા. ઢેલીબેન પહેલાં ૧૯૯૦ માં ‘ગૉડમધર’ સંતોકબેન જાડેજા અપક્ષ ચૂંટણી લડી ધારાસભ્ય બન્યાં હતાં. સૌરાષ્ટ્રના દબંગ નેતા કાંધલ જાડેજાનો રાજકીય અને કૌટુંબિક ઈતિહાસ મોટો છે. કાંધલ જાડેજાના પિતા સરમણ મુંજા જાડેજા અને તેમના માતા સંતોકબેન જાડેજા પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખૂબ મોટી નામના ધરાવે છે. રાણાવાવ – કુતિયાણા બેઠક પર હાલમાં કાંધલ જાડેજા ધારાસભ્ય છે. રાણાવાવ-કુતિયાણા બેઠક પર સંતોકબેન જાડેજા તેમજ તેમના કાકા ભુરા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચુક્યા છે. કાંધલ જાડેજાએ પ્રથમ વખત ૨૦૧૨ માં NCP માંથી રાણાવાવ – કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને ૧૮ હજારથી વધુ મતોથી પરાસ્ત કર્યા હતા.