દુનિયાની સૌથી મોંઘી ફિલ્મ ‘અવતારઃ ધ વે ઑફ વોટર’ આજે એટલે કે ૧૬ ડિસેમ્બરે રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ ૨૫૦ મિલિયન ડૉલર્સ ( ૨,૦૦૦ કરોડ રૂપિયા )માં બની છે. નવાઈની વાત એ છે કે ‘અવતાર’નો કોન્સેપ્ટ સપનામાંથી આવ્યો હતો.
ફિલ્મ ડિરેક્ટર જેમ્સ કેમરુનની માતા શર્લીને એક સપનું આવ્યું હતું અને તેમણે વાદળી રંગની યુવતી જોઈ હતી. આ યુવતી ૧૨ ફૂટ લાંબી હતી. માતાએ જેમ્સને આ સપના અંગે વાત કરી અને તેમને વાદળી રંગના લોકો રહેતા હોય એવા એક ગ્રહની વાર્તાનો આઇડિયા આવ્યો. આ ગ્રહ પર રહેતા લોકોની ઊંચાઈ ૧૦ થી ૧૨ ફૂટ હોય છે. આ સમયે જેમ્સે ‘ટાઇટેનિક’ બનાવવા અંગે વિચાર્યું પણ નહોતું.
જેમ્સે પહેલાં ‘ટાઇટેનિક’ બનાવી અને તેના ૧૨ વર્ષ બાદ ‘અવતાર’ આવી હતી. ‘અવતાર’ના ૧૩ વર્ષ બાદ બીજો ભાગ આવ્યો છે. ‘અવતાર’ પહેલાં ‘ટાઇટેનિક’ દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. પછી ૨૦૦૯ માં આવેલી ‘અવતાર’એ આ રેકોર્ડ તોડ્યો હતો. માત્ર ‘ટાઇટેનિક’ કે ‘અવતાર’ જ નહીં, પરંતુ જેમ્સ કેમરુનની ફિલ્મની ટેક્નોલોજી સમય કરતાં આગળ હોય છે. પોતાની પહેલી ફિલ્મ ‘ધ ટર્મિનેટર’થી ‘અવતાર ૨’ સુધીની તેમની કરિયર તથા ફિલ્મ બનાવવાની રીતે નવાઈ પમાડે તેવી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે જેમ્સ પોતાની ફિલ્મ લખ્યા બાદ જાતે જ ફિલ્મ અંગેની ટેક્નોલોજી પણ બનાવે છે.