સુરતના કેટલાક વિસ્તારોમાં જમીનમાંથી સમયાંતરે અનેક એવી ઐતિહાસિક અને આશ્ચર્ય પમાડે તેવી ચીજ વસ્તુ મળી આવતી હોય છે કે, જેને લઈને પુરાતત્વ વિભાગના અધિકારીઓને પણ તાત્કાલિક ધોરણે દોડતું થઈ જવું પડતું હોય છે. ત્યારે ફરી એકવાર સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન એવી વસ્તુઓ મળી આવી કે સ્થાનિકો જોવા માટે ઊમટી પડ્યા હતા.
સુરત શહેરના ચોક બજાર કિલ્લા વિસ્તારમાં મેટ્રો લાઈનની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અલગ-અલગ જગ્યાઓ પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચોક બજાર વિસ્તારમાં ખોદકામ દરમિયાન જૂની તોપના ત્રણ નાળચા મળી આવ્યા હતા.
આ અંગેની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલા ચોક બજાર ખાતે દોડી આવ્યા હતા.
તેઓએ જણાવ્યું હતું કે, મેટ્રો લાઈનની કામગીરી દરમિયાન ચોક બજારના પેટ્રોલ પંચ પાસે ખોદકામ દરમિયાન જમીનમાંથી ઔતિહાસિક ટોપના નાળચા મળી આવ્યા હતા. ત્રણેય તોપના નાળચાની લંબાઈ ૫ થી ૭ ફૂટ છે. જે સ્થળે તોપના નાળચા મળ્યા તેનાથી ૫૦ મીટર દૂર જ ઐતિહાસિક કિલ્લો આવે છે. સમગ્ર મામલે મનપાએ આર્કોલોજી વિભાગને જાણ કરી છે.