મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનું કર્યું ઉદ્ઘાટન

કાંકરિયા કાર્નિવલના શુભારંભ પ્રસંગે ગાંધી બ્રિજથી અટલ બ્રિજના શીર્ષક હેઠળ આઝાદી સાથે સંકળાયેલા કેટલાક પ્રસંગોને નૃત્ય નાટિકા સ્વરૂપે રજૂ કરવામાં આવશે.

અમદાવાદમાં કાંકરિયા  તળાવ ખાતે યોજાતા ૫  દિવસીય કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરાયો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલને જનતા સમક્ષ ખુલ્લો મૂક્યો. કોરોના બાદ યોજાઇ રહેલા કાંકરિયા કાર્નિવલની આ વર્ષની થીમ ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ પર આધારિત છે. કાંકરિયા કાર્નિવલના શુભારંભ પ્રસંગે ગાંધી બ્રિજથી અટલબ્રિજના શીર્ષક હેઠળ આઝાદી સાથે સંકળાયેલા કેટલાક પ્રસંગોને નૃત્ય નાટિકા સ્વરૂપે રજૂ કરવામાં આવશે. કાર્નિવલ દરમિયાન શહેરીજનોના મનોરંજન માટે દરરોજ જુદા – જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં જાણીતા લોકગાયક જીગ્નેશ બારોટ, ભૂમિકા શાહ, સાંઈરામ દવે, વિજય સુવાળા અને આદિત્ય ગઢવી પોતાની કલા રજૂ કરશે. આ ઉપરાંત પ્રહર વોરા, રાજભા ગઢવી, અલ્પા પટેલ સહિતના નામાંકિત કલાકારો પણ હિન્દી ગુજરાતી સુફી ગઝલ લોકગીત સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે.

કાર્નિવલના સમાપન પ્રસંગે “એક ભારત શ્રેષ્ઠ ભારતના” કાર્યક્રમ હેઠળ ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મણીપુર, રાજસ્થાન, આસામ તામિલનાડુ, હરિયાણા, દિલ્હી સહિતના જુદા જુદા રાજ્યોની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા લોક નૃત્યો પણ રજૂ કરવામાં આવશે.

કાંકરિયા કાર્નિવલની મુલાકાતે આવનાર લોકોના આકર્ષણ માટે ‘મલ્ટી કલર લેસર બીમ શો’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કાર્નિવલના અન્ય આકર્ષણોમાં બાળકો માટે બાલનગરી, ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શો નો સમાવેશ થાય છે. ચીન સહિતના કેટલાક દેશોમાં ફરી વકરી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કાંકરિયા કાર્નિવલ દરમિયાન કોવિડની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુલાકાતીઓને ફરજિયાત માસ્ક પહેરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *