તબિયત લથડતાં ૧૦૦ વર્ષીય હીરાબા મોદીને અમદાવાદની યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને ૭ ડોક્ટરોની ટીમ હીરાબાની સારવાર કરી રહી છે. માતા હીરાબાની તબિયતના સમાચાર સાંભળીને દિલ્હીથી દોડી આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન મહેતા હોસ્પિટલમાં તેમના ખબર અંતર પૂછીને દિલ્હી જવા રવાના થયા હતા. ત્યારે હવે હીરાબાની તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત સુધારા પર છે. UN મહેતા હોસ્પિટલે હેલ્થ બુલેટિન જાહેર કર્યું છે.
CM ભૂપેન્દ્ર પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જે બાદમાં તેમણે જણાવ્યું હતું કે, હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે. જેથી આગામી એકાદ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. UN મહેતા હોસ્પિટલે જણાવ્યું છે કે, હીરાબાની ગઈકાલ કરતા આજે તબિયત સારી છે, હીરાબાની તબિયત સુધારા પર છે. આપને જણાવી દઈએ કે, હાલ તેમના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે હાજર છે.
હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે કે તેઓ કુદરતી રીતે શ્વાસ નહોતા લઈ શકતા, તેમને ફેફસામાં ઈન્ફેક્શન થયું હતું. હાલમાં ડોક્ટરો તેમની શ્વાસની બીમારીની સારવાર કરી રહ્યાં છે.