ચૂંટણી પંચ દ્વારા ઘરથી દૂર રહેલા સ્થળાંતરિત મતદારોને આવરી લેવા રીમોટ વોટીંગનો પ્રાયોગિક ધોરણે અમલ કરવા વિચારણા કરશે. વોટીંગ મશીનમાં એક જ રિમોટ પોલિંગ બૂથથી ૭૨ જેટલા મતવિસ્તારોને આવરી શકાય છે. જો અમલમાં મૂકવામાં આવે તો, સ્થળાંતર કરનાર લોકો મતદાનમાં ભાગ લઇ શકે છે. વારંવાર રહેઠાણ બદલતા લોકો તેમના કામના સ્થળે મતદાતા તરીકે નોંધણી કરાવતા નથી ત્યારે આ જોગવાઈ ઘણા મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં જોડી શકે છે.
ચૂંટણી પંચે તમામ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્યસ્તરના રાજકીય પક્ષોને ૧૬ મી જાન્યુઆરીએ રિમોટ વોટિંગ મશીનની કામગીરીનું નિદર્શન કરવા માટે આમંત્રણ આપ્યું છે. આ બેઠકમાં ટેકનિકલ નિષ્ણાત સમિતિના સભ્યો પણ હાજર રહેશે. પંચે જણાવ્યું છે કે સ્થળાંતર કરનારાઓ માટે કાયદામાં જરૂરી ફેરફારો, વહીવટી પ્રક્રિયાઓમાં ફેરફાર અને મતદાનની પદ્ધતિ સહિત વિવિધ મુદ્દાઓ પર ૩૧ મી જાન્યુઆરી સુધીમાં માન્ય રાજકીય પક્ષોના લેખિત મંતવ્યો પણ માંગવામાં આવ્યાં છે. મળેલા પ્રતિસાદ અને પ્રોટોટાઇપના આધારે, પંચ દૂરસ્થ મતદાન પદ્ધતિને લાગુ કરવાની પ્રક્રિયાને યોગ્ય રીતે આગળ ધપાવશે.