ભારત અને પાકિસ્તાને એકબીજાની કેદમાં રહેલા સામાન્ય કેદીઓ અને માછીમારોની યાદીની આજે આપલે કરી હતી. ૨૦૦૮ માં કોન્સ્યુલર એક્સેસ પરના કરારની જોગવાઈઓ અનુસાર બંને દેશો દર વર્ષે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ આવી યાદીઓનું આદાન – પ્રદાન કરે છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે પાકિસ્તાનને ૩૩૯ પાકિસ્તાની નાગરિક કેદીઓ અને ૯૫ પાકિસ્તાની માછીમારોની યાદી સોંપી છે. એ જ રીતે પાકિસ્તાને ભારતને ૫૧ ભારતીય નાગરિક કેદીઓ અને ૬૫૪ માછીમારોની યાદી આપી છે જે ભારતીય છે અથવા ભારતીય હોવાનું માનવામાં આવે છે.
સરકારે નાગરિક કેદીઓ, ગુમ થયેલા ભારતીય સંરક્ષણ કર્મચારીઓ અને માછીમારો અને પાકિસ્તાનની કેદમાં તેમની બોટોને વહેલી તકે મુક્ત કરવા જણાવ્યું છે.
મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાનને ૬૩૧ ભારતીય માછીમારો અને બે ભારતીય નાગરિક કેદીઓને વહેલી તકે મુક્ત કરવા કહેવામાં આવ્યું છે. તેમની સજા પૂરી થઈ ગઈ છે અને તેમની રાષ્ટ્રીયતા પણ સાબિત થઈ ગઈ છે. આ અંગે પાકિસ્તાનને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત, પાકિસ્તાનને તેની કસ્ટડીમાં રહેલા ૩૦ માછીમારો અને ૨૨ નાગરિકોને તાત્કાલિક કોન્સ્યુલર એક્સેસ આપવાનું કહેવામાં આવ્યું છે. તે તમામ ભારતીયો હોવાનું માનવામાં આવે છે.
મંત્રાલયે કહ્યું છે કે ભારતે પાકિસ્તાનને માછીમારો સહિત ૭૧ પાકિસ્તાની કેદીઓની રાષ્ટ્રીયતા ચકાસવા માટે જરૂરી કાર્યવાહી ઝડપી કરવા વિનંતી કરી છે.