વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા વિરુદ્ધ થશે કાર્યવાહી

૧ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બર એમ બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની યોજાઈ હતી. જેનું પરિણામ ૮ મી ડિસેમ્બરના રોજ આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમગ્ર રાજ્યમાં અભૂતપૂર્વ જીત મળી છે. ભાજપને ૧૫૬, કોંગ્રેસને ૧૭ અને આપ આદમી પાર્ટીને ૫ બેઠકો મળી છે. જોકે, આ ચૂંટણી પૂર્ણ થયા બાદ કેટલીક જગ્યાએ ભાજપને ભાજપના જ કેટલાક નારાજ લોકો નડતર રૂપ બન્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા.

ગુજરાતમાં પ્રદેશ ભાજપમાં શિસ્ત સમિતિમાં પક્ષ વિરોધી કામ કરનારા વિરુદ્ધ  ૬૦૦ જેટલી ફરિયાદો નોંધાઇ હતી. મહત્વનું છે કે, પ્રદેશ ભાજપની શિસ્ત સમિતિના પ્રમુખ વલ્લભ કાકડિયાના નેતૃત્વમાં એક ટીમની નિયુક્તિ  થઈ છે. આ તરફ હવે આગામી ૧૦ જાન્યુઆરીથી ઝોન વાઈઝ શિસ્ત સમિતિ ફરિયાદો હાથ પર લેશે. નોંધનીય છે કે, રાજકોટ, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર સહીતમાં પક્ષ વિરોધી કાર્ય અને ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવાની આંતરિક ફરિયાદો મળી હતી.

શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષમાં ચૂંટણી સમયે કેટલાક નારાજ કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાબતની પ્રદેશ તેમજ રાષ્ટ્રીય નેતાગીરીએ ગંભીર નોંધ લીધી હતી અને ચૂંટણી સમયે જ કેટલાક સામે પગલાં લેવામાં આવ્યા હતા.

રાજ્યની કેટલીક વિધાસભા બેઠક પર પણ આવી જ બાગી પ્રવૃત્તિ થઇ હોવાનો સ્વીકાર કરી જિલ્લાઓના ભાજપના પ્રમુખોએ આ મામલે પ્રદેશને રિપોર્ટ સોંપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે હવે આ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન કરનારા સામે કાર્યવાહી કરાશે. આંતરિક વિરોધીઓનો મામલો ભાજપે શિસ્ત સમિતિને સોંપ્યો છે. આ મામલે ફરિયાદ અને તથ્યોની તપાસના અહેવાલના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *