કર્ણાટકના હુબલી અને ધારવાડ ખાતે ૧૨ થી ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન ૨૬ માં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવશે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું કે આ વર્ષના યુવા મહોત્સવની થીમ ‘વિકસિત યુવા, વિકસિત ભારત’ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના અવસરે આ ઉત્સવનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી ૭,૫૦૦ થી વધુ પ્રતિનિધિઓ ભાગ લે તેવી અપેક્ષા છે. ઠાકુરે જણાવ્યું હતું કે પરંપરાગત રમતો અને પ્રવૃત્તિઓ જેમ કે કલારીપાયટ્ટુ, થનગાટા, ગતકા, મલ્લખંભા અને યોગાસન ઉત્સવનો એક ભાગ હશે. તેમણે એમ પણ કહ્યું કે યુવા કૃતિ અને ફૂડ ઉત્સવ જેવા સામાજિક વિકાસ સંબંધિત મેળાઓનું પણ આયોજન કરવામાં આવશે, જે યુવા કારીગરોને તેમની કલાકૃતિઓ પ્રદર્શિત કરવાની તક આપશે.
અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું કે જી – ૨૦ માં યુવા સંવાદનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, જળવાયુ પરિવર્તન, પાણી અને ઉર્જા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. યુવા ઉત્સવના કેન્દ્રમાં સાંસ્કૃતિક પાસું હશે અને આ સંબંધમાં વ્યાપક પ્રવૃતિઓને લગતા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ બધા ઉપરાંત, આ તહેવાર યુવાનોને તેમની સાંસ્કૃતિક પ્રતિભા વ્યક્ત કરવા અને તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની દેશવ્યાપી તક પૂરી પાડશે.