ભારતીય ફિલ્મ આરઆરઆરના સુપરહિટ ગીત ‘નાટુ નાટુ’ને સર્વશ્રેષ્ઠ મૌલિક ગીત માટે પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ ફિલ્મના નિર્દેશક એસ.એસ રાજામૌલી છે અને એમ.એમ.કીરાવાનીએ આ ગીતના સંગીતનું નિર્દેશન કર્યું છે. કાલા ભૈરવા અને રાહુલ સિપલીગુંજે આ ગીતને અવાજ આપ્યો છે. આ ગીતની કોરિયોગ્રાફી અને સંગીત લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને લોકોમાં ઊર્જાનો સંચાર કર્યો હતો.
રામચરણ અને જુનિયર એનટીઆર અભિનિત ફિલ્મ ‘આરઆરઆર’એ દેશની સાથે સાથે વિદેશમાં પણ લોકપ્રિયતા મેળવી છે. જાપાનથી લઈને લોસ એન્જલસ સુધી અનેક દેશોમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર રામચરણ અને આલિયા ભટ્ટ સ્ટારર ‘આરઆરઆર’ને બેસ્ટ નોન ઈંગ્લીશ લેગ્વેજ ફિલ્મ અને ‘નાટુ નાટુ’ બેસ્ટ ઓરીજીનલ ગીતના નોમિનેશન લિસ્ટમાં સામેલ કરાઈ હતી. જેમાં હોલીવુડના બેસ્ટ ગીતોની વચ્ચે ભારતની સાઉથની આ ફિલ્મે બાજી મારી હતી અને બેસ્ટ ઓરીજીનલ ગીતનો ખિતાબ જીત્યો છે.