મુંબઈમાં પ્રધાનમંત્રી મેટ્રો રેલના બે નવા રૂટ રાષ્ટ્રને સમર્પિત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને મહારાસ્ટ્રના પ્રવાસે છે. પ્રથમ કર્ણાટક જશે. પ્રધાનમંત્રી મોદી બપોરે લગભગ ૧૨:૦૦ વાગ્યે કર્ણાટકના યાદગીરી જિલ્લાના કોડેકલ ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ પ્રોજેક્ટ સિવાય સિંચાઈ, પીવાના પાણીથી સંબંધિત વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી લગભગ ૦૨:૧૫ વાગ્યે કલબુર્ગી જિલ્લાના માલખેડ પહોંચશે. તાજેતરમાં કર્ણાટકની પ્રધાનમંત્રીની આ બીજી મુલાકાત હશે. કર્ણાટકમાં ૧૦,૮૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ શરૂ કરશે.
આ દરમિયાન પ્રધાનમંત્રી કરોડોના પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરશે. નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી મુસાફરીની સરળતા અને આરોગ્ય ક્ષેત્ર સાથે સંબંધિત રૂ. ૩૮,૦૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં લગભગ રૂ. ૧૨,૬૦૦૦ કરોડના ખર્ચની મુંબઈ મેટ્રો રેલ લાઇન ૨A અને ૭ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ લાઈનોનો શિલાન્યાસ પીએમ મોદીએ ૨૦૧૫ માં કર્યો હતો. પ્રધાનમંત્રી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં MMRDA મેદાનમાં યોજાનાર સમારંભમાં સાત ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ, એક રોડ પ્રોજેક્ટ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પુનઃવિકાસનો શિલાન્યાસ પણ કરશે.
પ્રધાનમંત્રીની મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને આસપાસના વિસ્તારોમાં ફ્લાઇટ કામગીરી સ્થગિત રહેશે. પ્રધાનમંત્રી ગુરુવારે અહીંના MMRDA મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે. પોલીસના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન ડ્રોન અને પેરાગ્લાઈડિંગ જેવી પ્રવૃત્તિઓને પણ મંજૂરી આપવામાં આવશે નહીં.