ઈજીપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી ભારતની મુલાકાતે પહોંચ્યા છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસ સમારોહ માટે તેઓને મુખ્ય અતિથિના રૂપમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રથમ વખત છે કે ઈજીપ્તના રાષ્ટ્રપતિને મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા છે.
ઈજીપ્તના રાષ્ટ્રપતિનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય બેઠક અને પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર પણ તેમની શુભેચ્છા મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન એક વાણીજ્ય બેઠકમાં ભારતીય વેપારી સમુદાય સાથે પણ ચર્ચા કરશે.
મિસ્રના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે બંને દેશોના હિત અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય બેઠક થશે. સાથે સાથે એક પ્રતિનિધિમંડળ પણ ભારતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ અલ-સીસીની આ બીજી ભારત યાત્રા છે. તેમના આગમન પર ગઈ કાલે એક સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રજાસત્તાક દિવસ સમારોહના મુખ્ય અતિથિરૂપે મિસ્રના રાષ્ટ્રપતિની ભારત યાત્રા બધા જ ભારતીયો માટે ખૂબ જ ખુશીની વાત છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ અલ-સીસીની સાથે થનાર ચર્ચાને લઈને ઉત્સુક છે.
આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઇજિપ્તની લશ્કરી ટુકડી પણ ભાગ લેવાની છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અગાઉ ઓક્ટોબર 2015માં ઇન્ડિયા આફ્રિકા ફોરમની ત્રીજી પરિષદમાં ભાગ લેવા અને સપ્ટેમ્બર ૨૦૧૬ માં ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યાં હતા. ભારત અને ઇજિપ્ત આ વર્ષે રાજદ્વારી સંબંધોના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ૨૦૨૨ – ૨૩ માં ભારતના જી – ૨૦ ના પ્રમુખપદ દરમિયાન ઇજિપ્તને પણ આમંત્રિત દેશ તરીકે નિમંત્રણ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને ઇજિપ્ત વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૨૦૨૧ – ૨૨ માં સવા સાત અબજ ડૉલર રહ્યો છે. ઇજિપ્તમાં પોણા ચાર અબજ ભારતીય નિકાસ અને ઇજિપ્તની ભારતમાં સાડા ત્રણ અબજની આયાત છે.