રાજ્યભરમાં જ્યારે હાલ કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે કરેલા કમોસમી વરસાદની આગાહી ને પગલે આજે ભાવનગર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં પડેલા માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.આજે પડેલા કમોસમી વરસાદને કારણે ડુંગળી,લીંબુ, ઘઉં,જીરું,ધાણા સહિતના અનેક પાકો પર તેની ખરાબ અસર થઈ શકે છે અને જેના કારણે ખેડૂતોની મુશ્કેલી પણ વધી શકે છે.
આજે વહેલી સવારે ભાવનગર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે પણ આ અંગે કરેલી આગાહી ને પગલે કમોસમી વરસાદ ના કારણે રવિ પાક પર તેની ભારે અસર થઈ શકે છે.
હાલ જિલ્લામાં રવિ પાક જેમાં ડુંગળી, જીરું, લીંબુ, ધાણા, ઘઉં સહિતના અનેક પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં અનેક પાકો તૈયાર થવા પર છેે, ત્યારે આ કમોસમી વરસાદ આ પાકોને નુકશાન કરી શકે છે.જેમાં લીંબુનો ઉનાળુ પાક માટે ફૂલ અને નાના ફળ ઝાડ પર તૈયાર થયા છે. તે વરસાદમાં ખરી જાય ઉપરાંત ડુંગળી, ઘઉં, જીરું, ધાણા સહિતના પાકો પણ બગડી શકે છે. જ્યારે હજુ જો વધુ કમોસમી વરસાદ પડશે તો ખેડૂતો ને વધુ નુકશાની સહન કરવાનો વારો આવશે આમ ખેડૂતોમાં કમોસમી વરસાદને પગલે ચિંતામાં વધારો થયો છે.