પાકિસ્તાનના પેશાવર શહેરના પોલીસ લાઇન વિસ્તારમાં આવેલી મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં મૃતકોની સંખ્યા વધીને ૫૯ થઇ ગઇ છે.
ઘટનામાં ૧૫૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. લોકો નમાજ માટે મસ્જિદમાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થયો ત્યારે મસ્જિદમાં લગભગ ૪૦૦ લોકો હતા. વિસ્ફોટને કારણે મસ્જિદનો એક ભાગ તુટી ગયો હતો. પાકિસ્તાનના આતંકવાદી જૂથ તહરિક- એ -તાલિબાનને આ હુમલા માટે જવાબદાર માનવામાં આવે છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાજ શરીફે આતંકવાદી હુમલાની આલોચના કરીને પીડિતોને સારવાર આપવા સુચના આપી હતી. તેમણે હુમલામાં ભાગ લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ સુચના આપી હતી.