નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મંગળવારે બજેટ સત્ર દરમિયાન આર્થિક સર્વે રજૂ કર્યો. એ મુજબ ૨૦૨૩ – ૨૪ માં વિકાસદર ૬ % થી ૬.૮ % સુધી રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જો કે છેલ્લાં ૩ વર્ષમાં આ સૌથી ધીમો ગ્રોથ હશે. જ્યારે નોમિનલ જીડીપીનો અંદાજ ૧૧ % લગાવવામાં આવ્યો છે. ફાઈનાન્સિયલ યર ૨૦૨૩ માં રિયલ GDP ૭ % રહે તેવો અંદાજ છે.
રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે મંગળવારે બજેટ સત્રની શરૂઆત થઈ છે. સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતી દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં વર્તમાન સરકારને મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતી સરકાર ગણાવી બજેટ સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્ર સારૂ જવાની આશા વ્યક્ત કરી અને વિપક્ષને તકરારની જગ્યાએ તકરીરની સલાહ આપી હતી.બજેટ પર સમગ્ર દેશની નજર છે. ખાસ કરી દેશમાં મોંઘવારી માજા મુકી રહી છે ત્યારે સામાન્ય નાગરિકો આ બજેટ તરફ આશાની નજરે જોઈ રહ્યા છે. શાકભાજીથી લઈ તેલ અને ગેસના ભાવવધારાએ ગૃહિણીઓને પરેશાન કરી છે. ત્યારે બજેટમાં લોકોને આશા અપેક્ષાઓ વધારે છે.
ઉદ્યોગ જગત પણ આશાની નજરે બજેટ પર મીટ માંડીને બેઠું છે. ભાવનગરમાં આવેલું અલંગ શિપયાર્ડ છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. ત્યારે શિપબ્રેકિંગ યાર્ડ સાથે જોડાયેલા લોકોની માંગણી છે કે આયાતી જહાજો પર જે ૨.૫ % ડ્યૂટી લાગે છે તેને ઘટાડી ઝીરો ટકા કરવી જોઈએ. તેવી માંગ છે સાથે મોરબીનો સિરામિક ઉદ્યોગ જે સરકારને વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ આપે છે. તેમની પણ સરકાર પાસે કેટલીક માગણીઓ છે. ખાસ કરીને મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાં સારા રોડ રસ્તા, બને તેવી માગણી અહીંના ઉદ્યોગકારો કરી રહ્યા છે.
સુરતનો હીરો ઉદ્યોગ અનેક મોરચે કેટલાક પડકારોનો સામનો કરી રહ્યો છે. જેથી ત્યાંના વેપારીઓ પણ તેઓની માગ છે કે, આગામી બજેટમાં તેઓને ડ્યુટીમાં રાહત આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે સંસદના બજેટસત્રનો પહેલો ભાગ ૩૧ જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પછી ૧૪ ફેબ્રુઆરીથી ૧૨ માર્ચ સુધી રજા રહેશે. જ્યારે બજેટસત્રનો બીજો ભાગ ૧૩ માર્ચથી ૬ એપ્રિલ સુધી ચાલશે. જોકે બજેટસત્ર હંગામેદાર રહેવાની પુરતી શક્યતા છે. વિપક્ષ મોંઘવારી, ચીનની સેનાની ઘૂસણખોરી, કાશ્મીરી પંડિતોની સુરક્ષા, જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરી શકે છે.