ફાઇનલ મેચમાં પંજાબની ટીમ વિજેતા બની હતી
સુરત ખાતે ડુમસના બીચ ઉપર સૌ પ્રથમવાર હીરો નેશનલ બીચ સોકર ટુર્નામેન્ટનું ૨૬ જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ફૂટબોલ એસોસિએશન તથા સુરત ડિસ્ટ્રિકટ ફૂટબોલ એસોસિએશનના નેજા હેઠળ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના અલગ અલગ રાજયોની કુલ ૧૯ ટીમ્સે ભાગ લીધો હતો. ગઈકાલે યોજાયેલ ફાઇનલ મેચમાં પંજાબની ટીમ વિજેતા બની હતી. જેને ચેમ્પિયન ટ્રોફી અને એક લાખ રૂપિયાનો ચેક તેમજ હરીફ ટીમને ટ્રોફી અને ૫૦,૦૦૦ રૂ.નો ચેક આપવામાં આવ્યો હતો. ફાઇનલ મેચ જોવા માટે રિલાયન્સના ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી અને સુરતના પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઓલ ઈન્ડિયા બીચ ફૂટબોલ કમિટીના ચેરમેન જીગ્નેશ પાટીલે ભવિષ્યમાં ભારતની બીચ સોકર ટીમ તૈયાર કરવા અંગે માહિતી આપી હતી.