ઉત્તરાયણ અને મહા શિવરાત્રી બાદ સામાન્યત કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ફરીવાર ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂકાંઇ રહ્યાં છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર પહેરીને નોકરી જવા મજબૂર બન્યા છે. જોકે, બીજી બાજુ હવે આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં હવે લોકોને ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. આજથી લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થશે. આજથી તાપમાનનો પારો ૩ થી ૪ ડિગ્રી સુધી વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં વધારો થશે. આગામી સપ્તાહથી ગરમીમાં વધારો થશે. અમદાવાદનું તાપમાન આજે ૧૪ ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે. નલિયામાં ૬.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં તાપમાન ૧૩.૨ ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગની કચેરીની આગાહી મુજબ, રાજ્યમાં ૪ ફેબ્રુઆરીથી તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો વધારો થશે. આજે નલિયાનો અપવાદ છોડતાં રાજ્યનાં તમામ પ્રમુખ શહેરોમાં ૧૦ ડિગ્રીથી વધુ ઠંડી નોંધાઈ હતી.