મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યૂઅલ માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. શહેરના કાલાવડ રોડ પર જડ્ડુસ રેસ્ટોરાં ચોક પાસે ૨૮.૫૨ કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાયઑવર બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. બ્રિજની લંબાઈ ૩૬૦ મીટર, પહોળાઈ ૧૫.૫૦ મીટર, સર્વિસ રોડ ૦૬ મીટર, બંને તરફ ફૂટપાથ સહિતની સુવિધાઓનો લાભ શહેરની જનતાને મળશે. જેથી હવે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. ઉપરાંત ૪.૦૭ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ઈલેક્ટ્રિક સ્મશાનનું પણ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં દર અઠવાડિયે એક વિકાસકાર્યનું લોકાર્પણ થઈ રહ્યું છે. રાજકોટ શહેરની જનતાને ઓવરબ્રિજ, આવાસ યોજના ફ્લેટ સહિતની સુવિધાઓના લોકાર્પણ દ્વારા અનેકવિધ લાભો થશે. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુ બાબરીયા, મંત્રી રાઘવજી પટેલ, શહેરના તમામ ધારાસભ્યો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.