સુરત શહેરના ગોરાટ રોડ પર રહેતા ઉદ્યોગપતિ ઉમર જનરલના નિવાસ સ્થાને આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે. આજે સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
ટીમ દ્વારા જનરલ ગ્રુપની રિંગરોડ પર આવેલી ઓફિસ, માંડવીની ફેકટરી, ઉપરાંત સ્ટાફના કેટલાંક કર્મચારીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન આવકવેરા વિભાગે કેટલાક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. જેમાં ટેક્સટાઇલના બિઝનેસમાં મોટાપાયે રોકડ વ્યવહાર કર્યા હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓ હવાલા એન્ગલની પણ તપાસ કરી રહ્યા છે. ઓફિસ અને બેંકના લોકર ચેક કરવામાં આવ્યા હતા, પરંતુ ઘરના લોકરમાંથી કંઇ ખાસ મળી આવ્યુ નથી.
ઉદ્યોગપતિ ઉંમર જનરલે ટેક્સટાઇલના ધંધામાં મોટાભાગે રોકડ વ્યવહાર કર્યાં છે. રૂપિયા ૩૦૦ કરોડના ગ્રુપના ટર્નઓવરમાં મોટાભાગે ટેક્સટાઇલના વ્યવહારો છે. જેમાં નિકાસ મુખ્ય છે. આ સાથે જ ગ્રુપ દ્વારા લોકલ માર્કેટમાં પણ માલ સપ્યાલ કરવામાં આવે છે. તો કેટલીક બ્રાન્ડના કપડાં પણ મેન્યુફેકચરિંગ થાય છે.
મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલનો બંગલો એટલો આલિશાન છે કે તપાસ ટીમને ૨૨ થી વધુ રૂમ ચેક કરવામાં જ દોઢ દિવસ લાગ્યા છે. તો જ્યારે અધિકારીઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમના પાર્કિંગમાં હાજર ૧૨ જેટલી લકઝુરિયસ ગાડીઓનો કાફલો જોઈ ચોંકી ગયા હતા. હાલ અધિકારીઓ આ લકઝુરિયસ કારની ખરીદીની વિગતો પણ ચકાસી રહ્યા છે.