ગુજરાતમાં GSTના અધિકારીઓ પણ લાંચ લેતા ઝડપાયાની ઘટનાઓ વધી રહી છે. આ તરફ હવે વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયો તો અન્ય એક પાસેથી આવક કરતાં વધુ સંપત્તિ મળી હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગરના એક GST અધિકારી ગાડી પકડીને દંડ ઓછો કરવા માટે વાહન માલિક પાસે ૨.૩૭ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. આ સાથે SGSTમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ કમિશ્નર પાસે આવક કરતા વધારે સંપત્તિ હોવાની માહિતી સામે આવતા CBIએ તપાસ શરૂ કરી હતી. જેમાં તપાસ દરમિયાન ૧ કરોડની સંપત્તિ અને કરોડો રૂપિયાની સ્થાવર સ્થાવર-જંગમ મિલકતો મળી આવી હતી.
રાજ્યમાં ACB અને CBIની ટીમે ૨ મોટી કાર્યવાહી કરી છે. વિગતો મુજબ SGSTમાં ગાંધીધામ ખાતે ફરજ બજાવતા એક આસિસ્ટન્ટ કમિશ્નર આવક કરતા વધારે સંપત્તિ ધરાવતા હોવાની ચર્ચા હતી. આ તરફ ચોક્કસ માહિતી આધારે CBIની ટીમે તેમના ઘરે સર્ચ કરતાં રોકડા રૂ. ૪૨ લાખ, દાગીના, વિદેશી ચલણ, બેંક બેલેન્સ મળીને અંદાજે રૂ. ૧ કરોડની સંપત્તિ મળી આવતા હડકંપ મચી ગઈ છે. આ સાથે અમદાવાદ, ગાંધીધામ અને રાજસ્થાનના બાડમેરમાં પણ કરોડો રૂપિયાની સ્થાવર-જંગમ મિલકતો મળી આવતા ચકચાર મચી ગઈ છે.
ગાંધીનગરના GST અધિકારી વિપુલ કનેજીયાએ એક ભંગાર ભરેલ ગાડી પકડી તેને GST માટે દંડ કરવાનો હતો. જોકે દંડ ઓછો કરીને વધુ હેરાન ન કરવા અધિકારીએ ટ્રકના માલિક પાસેથી ૨,૩૭,૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાં GST ઇન્સ્પેકટર વતી નિલેશ પરમાર નરોડાથી ૨.૩૭ લાખ રૂપિયા લાંચ લેતા ઝડપાયો છે. GST ઇન્સ્પેક્ટરને ACB અંગે જાણ થતાં તે નાસી ગયો હતો. આ મામલે ACBએ GSTના અધિકારી અને વચેટીયા વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.