અમદાવાદ: પ્રોપર્ટી ટેક્સધારક માત્ર મુદ્દલ ભરીને વ્યાજમાંથી પૂરેપૂરી મુક્તિ મેળવી શકશે

અમદાવાદ શહેરના ભાજપના શાસકો દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩ – ૨૪ માટેના મ્યુનિ. કમિશનરના રૂ. ૮,૪૦૦ કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ. ૧,૦૮૨ કરોડના વધારા સાથે રૂ. ૯,૪૮૨ કરોડનું સુધારિત બજેટ રજૂ કરાયું છે. આ સુધારિત બજેટ પર આગામી રવિવાર તા. ૧૯ ફેબ્રુઆરીએ યોજાનારી બજેટ બેઠકમાં ચર્ચા-વિચારણા કરાશે અને તેને શાસક પક્ષ બહુમતીના આધારે મંજૂર કરીને રાજ્ય સરકાર સમક્ષ પાઠવશે. જ્યારે આજે બપોરે મ્યુનિ. વિપક્ષ કોંગ્રેસ દ્વારા બજેટ પર પક્ષના સુધારા રજૂ કરાયા હતા. આમ, બજેટની પ્રક્રિયા વચ્ચે તા. ૧૫ ફેબ્રુઆરીથી વર્ષોથી બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સ  માટે ભાજપના શાસકોએ વન-ટાઈમસેટલમેન્ટ યોજનાની અમલવારી જાહેર કરી છે, જેમાં વર્ષોથી બાકી ખેંચાતી પ્રોપર્ટી ટેક્સની રકમમાં પ્રોપર્ટી ટેક્સધારક માત્ર મુદ્દલ ભરીને વ્યાજમાંથી પૂરેપૂરી મુક્તિ મેળવી શકશે.

૧૦ ફેબ્રુઆરીએ શહેરના શાસક પક્ષ દ્વારા નાગરિકો સમક્ષ સુધારિત બજેટ રજૂ કરાયું હતું, જેમાં ત્રણ વર્ષ સુધી નવી જંત્રીનો અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી, જેના કારણે પ્રોપર્ટી ટેક્સના બિલમાંનો વધારો ટળ્યો છે, ઉપરાંત પ્રોપર્ટી ટેક્સના દરમાં શાસકોએ માત્ર આંશિક વધારો કર્યો છે તેમજ એન્વાયરન્મેન્ટ ટેક્સમાં પણ ૫૦ % કાપ મૂકી લોકોને રાહત આપી છે. બીજી તરફ ડોર ટુ ડોરના ચાર્જમાં વધારાની તંત્રની દરખાસ્તને શાસકોએ ફગાવી દીધી છે. આની સાથે પ્રોપર્ટી ટેક્સમાં દર વર્ષે પાંચ ટકાના બદલે ફકત ૨ % નો વધારો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે મંજૂર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *