એર ઈન્ડિયા અને એરબસ વચ્ચેના કરાર અંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વર્ચ્યુઅલ મીટિંગને સંબોધતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે, નાગરિક ઉડ્ડયન દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતીય ઉડ્ડયન ક્ષેત્રને આગામી ૧૫ વર્ષમાં ૨,૦૦૦ થી વધુ એરક્રાફ્ટની જરૂર પડશે, એમ તેમણે જણાવ્યું હતું. આ સોદાને ઐતિહાસિક ગણાવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તે ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે. આ સોદો એરક્રાફ્ટની વધતી માંગને પહોંચી વળવામાં મદદ કરશે, એમ તેમણે જણાવ્યું હતું. ભારત-ફ્રાન્સ સંબંધો પર વડાપ્રધાને કહ્યું કે, બંને દેશો ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતા, વૈશ્વિક ખાદ્ય અને સ્વાસ્થ્ય સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારત અને ફ્રાન્સની ભાગીદારી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને બહુપક્ષીય વ્યવસ્થાની સ્થિરતા અને સંતુલન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ-ઉડાન હેઠળ હાથ ધરવામાં આવેલી પહેલો પર પ્રકાશ પાડતા વડાપ્રધાને કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યા ૭૪ થી વધીને ૧૪૭ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે દેશના દૂરના ભાગોને હવાઈ જોડાણ દ્વારા જોડવામાં આવી રહ્યા છે જેણે સામાજિક-આર્થિક વિકાસમાં મદદ કરી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને એરોસ્પેસ ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારીની તક આપવા બદલ ભારતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે તેમના દેશોની કંપનીઓ સહકારના નવા ક્ષેત્રો વિકસાવવા માટે સંપૂર્ણપણે સમર્પિત છે. તેમણે કહ્યું કે ફ્રાન્સે અંતરિક્ષ, સાયબર, સંરક્ષણ, ઉર્જા સંક્રમણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત સાથે ઘણું હાંસલ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી વર્ષોમાં ભારત ઉડ્ડયન ક્ષેત્રે ત્રીજા સૌથી મોટા વૈશ્વિક બજાર તરીકે ઉભરી આવશે. મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડના વિઝન હેઠળ એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નવી તકો ઉભરી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. ભારત ઉડ્ડયન ક્ષેત્ર માટે મેન્ટેનન્સ, રિપેર, ઓવરહોલ (MRO) હબ બની શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.