વડોદરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી શાળાઓને ગુણવત્તાસભર બનાવવા જ્ઞાન સંગમ પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યંમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત છેલ્લા બે દાયકાથી શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીના વિકસિત ભારતનો સંકલ્પ, વિકસિત ગુજરાતના નિર્માણથી સાકાર કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા શહેર અને જિલ્લાની ખાનગીઓ શાળાઓ સાથે તંતુસંધાન કરી સરકારી શાળામાં તેની બેસ્ટ પ્રેક્ટિસનું આદાનપ્રદાન કરવાની રાજ્યના શિક્ષણ વિભાગની પહેલ એવા જ્ઞાન સંગમ પાયલોટ પ્રોજેક્ટનું શહેરની કવિ દુલા ભાયા કાગ પ્રાથમિક શાળા ખાતેથી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલાની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્વ નિર્ભર શાળાના સંચાલકો અને સરકારી શાળાઓ વચ્ચે એક્સપ્રેસન ઓફ ઇન્ટ્રેસ્ટ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, દાનમાં સર્વશ્રેષ્ઠ દાન એ વિદ્યાદાન છે, વિદ્યા હંમેશા વહેંચવાથી વધે છે. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તો જ સમાજ આગળ વધી શકે છે. છેલ્લા બે દાયકામાં રાજ્યના શિક્ષણ વિભાગના સર્વગ્રાહી પ્રયાસોને પરિણામે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે.
તેમણે ઉમેર્યું કે, જ્ઞાન સંગમ પ્રોજેક્ટથી સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચે શિક્ષણના આદાન પ્રદાન માટે આજે સુગમ સમન્વય થયો છે જેના હકારાત્મક પરિણામો મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિકસિત ગુજરાતના નિર્માણમાં સૌને સહભાગી થવા તેમણે અનુરોધ કર્યો હતો.
શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે EoI માટે ખાનગી શાળાના સંચાલકોને વિશેષ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સંસ્કારી નગરીની ધરતી પરથી શરૂ થયેલો આ પાઇલોટ પ્રોજેક્ટ આવનારા સમયમાં શિક્ષણ ક્ષેત્રનો સુવર્ણ યુગ લાવશે. આ પ્રોજેક્ટ વટવૃક્ષ બની સમગ્ર
રાજ્યમાં તેના મૂળ ફેલાવશે, તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે શૈક્ષિણક આદાન-પ્રદાન સામાજિક પરિવર્તન લાવશે. રાજ્યનું શિક્ષણ ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યું હોવાનું તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે વિકાસ માટે સરકાર તત્પર હોવાનું કહી તેમણે જ્ઞાન સંગમ પ્રોજેક્ટને સમાજ માટે મોટી મૂડી ગણાવી હતી.
જ્ઞાન સંગમ પ્રોજેક્ટ હેઠળ ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી વડોદરા શહેરની 60 અને જિલ્લાની 83 શાળાઓ મળીને કુલ 143 સરકારી પ્રાથમિક શાળાઓ લક્ષિત શાળાઓ તરીકે આવરી લેવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં વડોદરા શહેરની ૨૯ અને ગ્રામ્યની ૧૮ સહિત કુલ ૪૭ ખાનગી શાળાઓ સહયોગ આપશે. જેમાં વડોદરા શહેરના ૨૭,૪૮૯ અને જિલ્લાના ૩૩,૬૩૮ સહિત કુલ ૬૧,૧૨૭ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકોના જ્ઞાનનો લાભ મળશે.
જ્ઞાન સંગમ પ્રોજેક્ટનો મૂળ વિચાર કલેક્ટર અતુલ ગોરનો છે. જિલ્લાની શાળાઓમાં તેમની મુલાકાત દરમિયાન ઘણી સરકારી શાળાઓમાં ખૂબ જ સારૂ શિક્ષણ કાર્ય થતું જોવા મળ્યું તો આવી જ સારી શિક્ષણ પ્રથા ખાનગી શાળાઓમાં પણ જોવા મળે છે. જેમ એક રાજ્ય બીજા રાજ્યની પ્રજાકલ્યાણની યોજનાઓને યથાતત્ સ્વીકારવામાં આવે છે, એ જ રીતે જ્ઞાન સંગમ પ્રોજેક્ટમાં ખાનગી શાળા અને સરકારી શાળાઓ વચ્ચે શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે જ્ઞાનનું આદાનપ્રદાન કરવામાં આવશે. આ પહેલમાં ખાનગી શાળાના શિક્ષકો લક્ષિત સરકારી શાળાની સમાયાંતરે મુલાકાત લેવા સાથે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ભાષા શિક્ષક સાથે સંવાદ સાધી શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ અંગે માર્ગદર્શન આપશે. આટલું જ નહીં, લક્ષિત શાળાના શિક્ષકો દ્વારા થતાં વર્ગ શિક્ષણ કાર્ય, સહઅભ્યાસિક અને સર્વાંગી વિકાસની પ્રવૃત્તિનું અવલોકન કરવા ઉપરાંત શાળા પરિવાર સાથે ચર્ચા પરામર્શ કરી માર્ગદર્શન આપશે. લક્ષિત શાળાના વિદ્યાર્થીઓ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સાથે તાદાત્મ્ય કેળવે, ભાવાવરણ અને સુવિધાઓથી પરિચીત થાય તે માટે વિદ્યાર્થીઓ દ્વારા જ્ઞાનનું આદાનપ્રદાન પણ કરવામાં આવશે.
પ્રારંભમાં સૌનો આવકાર કરતા જિલ્લા કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું હતું કે, મા નર્મદાના તટે વસેલો વડોદરા જિલ્લો પણ શહેરની સાથે સંસ્કારી જિલ્લો છે. મહા શિવરાત્રીના પાવન પર્વે શરૂ થયેલો જ્ઞાન સંગમ પ્રોજેક્ટ પરિણામલક્ષી દિવ્યતા અપાવશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.અંતમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રાકેશ વ્યાસે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, મેયર અને ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડીયા, ધારાસભ્ય સર્વશ્રી મનીષાબેન વકીલ, શૈલેષભાઈ મહેતા, કેતનભાઈ ઈનામદાર, ચૈતન્યભાઈ દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શહેર અગ્રણી ભાર્ગવભાઈ ભટ્ટ, ભાજપ પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિતના અગ્રણીઓ, જિ. પં. શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હેમાંગભાઈ જોષી, મનપા કમિશનર બંછાનિધિ પાની, ડીડીઓ ડૉ. રાજેન્દ્ર પટેલ, ખાનગી શાળાના સંચાલકો, શિક્ષણવિદો, આચાર્યો, શિક્ષકો,નગરસેવક સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.